Loading Please Wait !!!
રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકા વધાર્યો, સાડા ત્રણ વર્ષ બાદ રેપો રેટમાં પહેલો વધારો

 

  • ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરમાં વધારો

  • ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ

  • જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને સાત પોઇન્ટ એક ટકા કર્યો

સિટી ન્યુઝ @ મુંબઈ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી) દ્વારા ત્રણ દિવસીય બેઠકના અંતે વ્યાજ દરો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઊંચા ફુગાવા, રૂપિયામાં નબળાઈ, ઊંચા વૈશ્વિક બોન્ડ યીલ્ડસ તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી થયેલા ઉછાળાને ધ્યાનમાં રાખીને લગભગ સાડા ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે નવો રેપો રેટ 5.25 ટકાથી વધીને સીધો 5.50 ટકાના સ્તરે પહોંચી ગયો છે, જેની સીધી અને નકારાત્મક અસર સામાન્ય નાગરિકોની હોમ લોન, કાર લોનના ઈએમઆઈ તેમજ બેંક એફડીના રિટર્ન પર થવાની છે.

આ સાથે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ પણ વધીને 5.25 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ વધીને 5.75 ટકા કરી દેવામાં આવ્યો છે. એશિયાના વિવિધ દેશોમાં પણ ઊંચા ફુગાવાને કારણે વ્યાજ દરોમાં વધારો જોવા મળી રહ્યો છે. એમપીસીએ ન્યુટ્રલ પોલિસી સ્ટેન્સ જાળવી રાખીને નજીકના ભવિષ્યમાં પણ જરૂર પડ્યે રેપો રેટમાં વધુ વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ફેબ્રુઆરી 2023 બાદ પહેલીવાર વ્યાજ દરોમાં આ વધારો કરવામાં આવ્યો છે અને દેશમાં ફુગાવાનો દર હાલ પાંચ ટકાની નજીક પહોંચી ગયો છે.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ નીતિગત ફેરફાર અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં કરવામાં આવેલો આ રેટ હાઇક એ વાતની સ્પષ્ટ સાક્ષી પૂરે છે કે ચક્રીય મોંઘવારીના જોખમો હવે સામાન્ય નથી રહ્યા. એમપીસીનું નીતિગત વલણ હવે તટસ્થથી ખસીને 'કેલિબ્રેટેડ ટાઈટનિંગ' (મપાયેલું અને કડક વલણ) તરફ શિફ્ટ થઈ ગયું છે. વેસ્ટ એશિયાના સંઘર્ષ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કારણે ખાદ્ય ફુગાવા પર તોળાતા જોખમો સામે નીતિઘડવૈયાઓએ કડક પગલાં લેવાનું પસંદ કર્યું છે.

વ્યાજ દરોમાં વધારો કરવાની સાથેસાથે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે મોંઘવારી દરના અંદાજમાં પણ વધારો કર્યો છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારીનો અંદાજ 5 ટકાથી વધારીને 5.2 ટકા કરવામાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ નબળું ચોમાસું અને 'અલ નીનો' નો પ્રભાવ છે. તેમ છતાં, દેશના આર્થિક વિકાસ દર અંગે પ્રોત્સાહક અંદાજો આપતા કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ માટે રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 6.7 ટકાથી વધારીને 7.1 ટકા કરી દીધો છે.

દેશના વિવિધ ત્રિમાસિક ગાળા માટે જીડીપી ગ્રોથના અંદાજોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં બીજા ત્રિમાસિક ગાળા માટે અંદાજ 6.4 ટકાથી વધારીને 7.2 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળા માટે 6.5 ટકાથી વધારીને 6.9 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળા માટે તે 6.8 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

નાણાકીય નીતિ અને અર્થતંત્ર

દેશની આર્થિક સ્થિરતા અને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંક દ્વારા લેવાતા કડક નાણાકીય નિર્ણયો લાંબાગાળે બજાર અને સામાન્ય જનતાના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.