Loading Please Wait !!!
ભાવનગરના સરદારનગરમાં ખળભળાટ: કાર વાળવા જેવી નજીવી બાબતે યુવાન પર હુમલો કરી ₹12,800ની ઘડિયાળની લૂંટ!

  • "દેખ કે ચલા, અંધા હૈ ક્યા?" કહી બે શખ્સોએ મચાવ્યો આતંક - RTO ના કર્મચારીને નિશાન બનાવી લૂંટારુઓ ફરાર
  • પત્નીની તબિયત બગડતા ઉતાવળમાં કાર વાળવી ભારે પડી - અમિત અને દીપક નામના શખ્સો સામે ગુનો દાખલ
  • ભગીરથસિંહ ગોહિલ સાથે સરદારનગરમાં ઘટી ઘટના - ઘોઘા રોડ પોલીસે બી.એન.એસ.ની કલમો હેઠળ તપાસ તેજ કરી

શહેરના શાંત ગણાતા સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે રોડ રેજ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. કાર વાળવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ એક યુવાન સાથે ઝપાઝપી કરી તેની કિંમતી ઘડિયાળ ઝૂંટવી લીધી હતી અને નાસી છૂટ્યા હતા. આ મામલે ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ઘટનાની વિગત મુજબ, કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને RTO કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ ગોહિલ ગત રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ભાઈ અને મિત્ર સાથે ઓરા કારમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ભગીરથસિંહના પત્નીનો ફોન આવ્યો હતો કે તેમની તબિયત ખરાબ છે. પત્નીની સારવાર માટે ઘરે પહોંચવાની ઉતાવળમાં ભગીરથસિંહે મેઘાણી ઓડિટોરિયમ પાસેના વળાંકથી કાર પરત વાળી હતી.

કાર વાળતી વખતે સામેથી ચાલીને આવતા બે શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને "દેખ કે ચલા, અંધા હૈ ક્યા?" કહીને ગાળો આપવા લાગ્યા હતા. જ્યારે ભગીરથસિંહ અને તેમના ભાઈએ ગાળો બોલવાની ના પાડી ત્યારે બંને શખ્સોએ ઉગ્ર ઝપાઝપી શરૂ કરી દીધી હતી. હિંમત કરીને યુવાને જ્યારે તેમના નામ પૂછ્યા ત્યારે એકે પોતાનું નામ અમિત જયોતિકુમાર રાકેશ અને બીજાએ દીપક જયસ્વાલ હોવાનું જણાવ્યું હતું.

ઝપાઝપી દરમિયાન અમિત નામના શખ્સે તક જોઈને ભગીરથસિંહના હાથમાંથી ₹12,800ની કિંમતની ટાઇટન ઘડિયાળ ઝૂંટવી લીધી હતી. લૂંટ ચલાવ્યા બાદ બંને આરોપીઓ પકડાઈ જવાના ડરે અલગ-અલગ દિશામાં ભાગી ગયા હતા. ભગીરથસિંહે તુરંત જ ઘોઘા રોડ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે નવા કાયદા (BNS) ની કલમો હેઠળ હુમલો અને લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.

રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં વધતા જતા રોડ રેજના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે. નજીવી બાબતે લોકો કઈ રીતે હિંસક બની રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પોલીસ હવે વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે જેથી આરોપીઓના લોકેશન મેળવી શકાય.