અમદાવાદમાં લગ્નજીવનમાં ભંગાણ: વર્ષે 10,000 યુગલો પહોંચે છે અદાલતના આંગણે
- અહમનો ટકરાવ અને સોશિયલ મીડિયા બન્યા સંબંધોના દુશ્મન; 20થી 30ની વયના યુવાનો વધુ ભોગ.
-
ચાર દાયકાના સાથ પછી સ્વતંત્ર રહેવાની જીદ; 50થી વધુ ઉંમરના દંપતીઓની કોર્ટમાં લાગી લાઈન.
-
યુવા દંપતીઓમાં ઘટતી સહનશક્તિ ચિંતાજનક; 50% કેસમાં માતાઓ પિતાને સોંપે છે બાળકોની જવાબદારી.
સિટી ન્યુઝ @ અમદાવાદ : ભારતીય સમાજમાં જે લગ્નને સાત જન્મનું અતૂટ બંધન માનવામાં આવતું હતું, તે આજે આધુનિકતા અને અહમના ટકરાવ વચ્ચે નબળું પડી રહ્યું છે. અમદાવાદ ફેમિલી કોર્ટના આંકડા મુજબ, વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં છૂટાછેડા માટેના 10,200 કેસ અને ભરણપોષણ તેમજ હિંસાના 10,300 કેસ નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે દર વર્ષે આશરે 8 થી 10 હજાર યુગલો કાયદાકીય મદદ માટે કોર્ટના આંગણે પહોંચી રહ્યા છે, જેમાં સૌથી વધુ ભોગ 20 થી 30 વર્ષના યુવાનો બની રહ્યા છે.
યુવા દંપતીઓમાં સહનશક્તિનો અભાવ અને આર્થિક સ્વતંત્રતાની ભાવના લગ્નના 1-2 વર્ષમાં જ વિખવાદ ઊભો કરે છે. ચોંકાવનારી બાબત એ છે કે, કેટલાક કિસ્સામાં લગ્નના ત્રીજા દિવસે જ ભીનો ટાવલ બેડ પર મૂકવા કે સફાઈ જેવી ક્ષુલ્લક બાબતો પર ઝઘડા કરી દંપતી છૂટાછેડા માંગે છે. સોશિયલ મીડિયા પર થતો 'આભાસી પ્રેમ' લગ્નજીવનની વાસ્તવિકતા સામે ટકી શકતો નથી, જેના પરિણામે 100 માંથી 10 કેસ એવા હોય છે જે છ મહિનામાં જ અલગ થઈ જાય છે.
માત્ર યુવાનો જ નહીં, પરંતુ 50 થી 80 વર્ષની ઉંમરના દંપતીઓમાં પણ 'ગ્રે ડિવોર્સ'નું પ્રમાણ વધી રહ્યું છે. 80 વર્ષના વૃદ્ધ દાદા પણ સ્વતંત્ર રહેવા માટે કોર્ટ પહોંચ્યા હોવાના કિસ્સાએ ચકચાર મચાવી છે. લગ્નના દાયકાઓ પછી પણ એકબીજાની આદતોથી કંટાળીને અલગ થવાના નિર્ણયો લેવાઈ રહ્યા છે. આ ઉપરાંત, 40-50 વર્ષની વયના પુરુષોમાં સોશિયલ મીડિયા દ્વારા થતા લગ્નેતર સંબંધો પણ સુખી સંસારમાં આગ ચાંપી રહ્યા છે.
છૂટાછેડાના મુખ્ય કારણોમાં સોશિયલ મીડિયાનો અતિરેક, માતા-પિતાની દખલગીરી અને ભૌતિક સુવિધાઓની દેખાદેખી મુખ્ય છે. પહેલા વડીલો સંબંધો સાચવવાનું સમજાવતા હતા, પરંતુ હવે માતા-પિતા પણ બાળકોની અલગ થવાની જીદમાં સંમતિ આપે છે. વધુમાં, છેલ્લા ત્રણ વર્ષથી એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં છૂટાછેડાના 50 ટકા કેસોમાં માતાઓ પોતાના બાળકની જવાબદારી પિતાને સોંપી દે છે.
ન્યાયતંત્ર દ્વારા સુમેળ સાધવા માટે કાઉન્સિલરોની નિમણૂક કરવામાં આવે છે, તેમ છતાં 40 થી 50 ટકા કેસોમાં કાઉન્સિલિંગ નિષ્ફળ જાય છે. પરસ્પર વિશ્વાસનો અભાવ અને જડ વલણને કારણે દંપતીઓ અલગ થવા પર અડગ રહે છે, જેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડે છે. આધુનિકતાની આ દોડમાં સંબંધોની ગરિમા અને સમજદારી ક્યાંક ખોવાઈ રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે.