Loading Please Wait !!!
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢથી સાબરમતી જેલ ટ્રાન્સફર: હાઈ-સિક્યોરિટી બંદોબસ્ત વચ્ચે મોટું ઓપરેશન!

  • પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસના આજીવન કેદના કેદીને અમદાવાદ ખસેડાયા - જેલ વિભાગની અત્યંત ગુપ્ત કાર્યવાહી
  • હાઈકોર્ટના કડક વલણ બાદ જેલમુક્તિ રદ થતા જેલવાસ - અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ સંડોવણીથી મુશ્કેલી વધી
  • ગોંડલના ધારાસભ્યની ધ્વજવંદનમાં હત્યાનો ચકચારી કેસ - સુપ્રીમ કોર્ટમાં પિટિશન છતાં કાયદાકીય શિકંજો કસાયો

રાજકોટના રીબડાના જાણીતા અને વિવાદાસ્પદ અનિરુદ્ધસિંહ જાડેજાને આજે વહેલી સવારે જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની હાઈ-સિક્યોરિટી સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના ચકચારી કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અનિરુદ્ધસિંહને વહીવટી અને સુરક્ષાના કારણોસર અમદાવાદ ખસેડવાનો નિર્ણય રાજ્ય જેલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. વહેલી સવારે 7 વાગ્યે અત્યંત ગુપ્ત રીતે અને ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલો 36 વર્ષ પહેલાના ગોંડલના ભયાનક હત્યાકાંડ સાથે જોડાયેલો છે. 15 ઓગસ્ટ 1988ના રોજ જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યો હતો, ત્યારે ગોંડલ ખાતે ધ્વજવંદનના જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી હતા. વર્ષ 2018માં તેમને સારા વર્તનના આધારે જેલમુક્ત કરાયા હતા, પરંતુ મૃતક ધારાસભ્યના પૌત્રની કાનૂની લડત બાદ હાઈકોર્ટે આ મુક્તિને ગેરકાયદે ઠરાવી હતી અને તેમને ફરી જેલમાં જવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટના કડક વલણને પગલે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરીને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદાકીય પકડ મજબૂત બનતા આખરે તેમણે જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. જૂનાગઢ જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહારના જણાવ્યા અનુસાર, ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તેમને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં અન્ય કેદીઓ સાથેના સંપર્ક અને સુરક્ષાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવશે.

અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ માત્ર આ જૂના કેસ પૂરતી સીમિત નથી. હાલમાં જ ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની અને તેમના પુત્ર રાજદીપસિંહ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયેલો છે. આ કેસમાં તેઓ લાંબો સમય ફરાર રહ્યા હતા અને કોર્ટે તેમની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી. આમ, એક તરફ જુનો હત્યાકાંડ અને બીજી તરફ નવો આત્મહત્યાનો કેસ, બંને મોરચે અનિરુદ્ધસિંહ જાડેજા કાયદાકીય ભીંસમાં ફસાયા છે.

સાબરમતી જેલમાં ટ્રાન્સફર થવાથી હવે તેમની મુલાકાતો અને ગતિવિધિઓ પર જેલ વહીવટી તંત્રની કડક નજર રહેશે. રાજકોટ અને ગોંડલ પંથકમાં મોટું વર્ચસ્વ ધરાવતા અનિરુદ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલના હાઈ-સિક્યોરિટી વોર્ડમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. આ જેલ બદલીના સમાચારથી સૌરાષ્ટ્રના રાજકીય અને અપરાધ જગતમાં ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે.