રૈયા રોડ પર સેવા સમિતિનું છાસ વિતરણ
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને લૂથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને રાહત આપવા માટે સાર્વજનિક સેવા સમિતિ આગળ આવી છે. સમિતિના પ્રમુખ રાજુભાઈ જુંજાના માર્ગદર્શન હેઠળ રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે 2 દિવસીય વિનામૂલ્યે ઠંડી છાસ વિતરણનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આકરા તાપમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, શ્રમિકો અને વાહનચાલકો સહિત 1500 થી વધુ સ્થાનિકોએ આ નિસ્વાર્થ સેવાનો લાભ લઈ શારીરિક અને માનસિક રાહત અનુભવી હતી. ગરમીના પ્રકોપ વચ્ચે અપાતી આ ઠંડી છાસ લોકો માટે અમૃત સમાન સાબિત થઈ હતી. આ સેવા યજ્ઞ પ્રસંગે સેવાકર્મીઓનો ઉત્સાહ વધારવા માટે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, સેજલબેન ચૌધરી, પૂર્વ કોર્પોરેટર ડો. અલ્પેશભાઈ મોરજરીયા અને ભાજપના આગેવાન જયેશભાઈ ત્રિવેદી સહિતના સામાજિક તથા રાજકીય આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને પોતાના હાથે છાસનું વિતરણ કર્યું હતું. લોકોએ આ પ્રવૃત્તિને ભારે બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવી કપરી ઋતુમાં સામાજિક સંસ્થાઓનો આ પ્રકારનો સહયોગ ખૂબ જ પ્રશંસનીય અને રાહતરૂપ છે.
માનવ સેવાના કાર્યો અવિરત ચાલુ રહેશે: રાજુભાઈ જુંજા
સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજાએ લોકોની ઉમળકાભેર મળેલી લાગણીને ધ્યાને લઈ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે સમાજની જરૂરિયાત સમયે પડખે ઊભા રહેવું એ જ સાચી માનવ સેવા છે. આ 2 દિવસીય કેમ્પને સફળ બનાવવા માવજીભાઈ મારૂ, કરણભાઈ જુંજા અને મનસુખભાઈ લખતરીયા સહિતના યુવા કાર્યકરોએ કલાકો સુધી ઊભા રહીને ભારે જહેમત ઉઠાવી હતી.