રાજકોટના ઘનશ્યામનગરમાં સાત વર્ષ જૂના મનદુખમાં પાડોશીઓ બાખડ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરના કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગર વિસ્તારમાં રવિવારે રાત્રે સાત-આઠ વર્ષ જૂના મનદુખનો ખાર રાખી બે પાડોશી પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ ઝઘડામાં ઈંટ, પથ્થર અને કાચની ચીજવસ્તુઓ ઉછળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘનશ્યામનગર-૧૬ માં રહેતા અને ઈમિટેશનનું કામ કરતા કિંજલબેન પંકજભાઈ વાઘેલાએ પાડોશી લાલાભાઈ સાગઠીયા, તેની બહેન હેતલ, પત્ની કલીબેન અને ભાણેજ ભૂરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાત્રે ૧૦:૩૦ વાગ્યે કિંજલબેનના પતિ પંકજભાઈ પાનની દુકાને ગયા ત્યારે લાલાભાઈએ જૂના મનદુખમાં ગાળો દેવાનું શરૂ કર્યું હતું. દંપતી જ્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા નીકળ્યું ત્યારે લાલાભાઈ અને તેના પરિવારજનોએ શેરીમાં રોકી હુમલો કર્યો હતો. લાલાએ કાચની ધારદાર વસ્તુ માથામાં મારી દેતા કિંજલબેન લોહીલુહાણ થયા હતા, જ્યારે અન્ય મહિલાઓએ ઈંટ-પથ્થરના ઘા કર્યા હતા. સામા પક્ષે પરેશભાઈ ચંદુભાઈ સાગઠીયાએ કિંજલબેન અને તેના પતિ પંકજભાઈ વાઘેલા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. પરેશભાઈના જણાવ્યા મુજબ, તેનો પિતરાઈ ભાઈ લાલો (આકાશ) અને કિંજલબેન વચ્ચે બોલાચાલી થતી હતી ત્યારે તેઓ સમજાવવા વચ્ચે પડ્યા હતા.આ સમયે કિંજલબેને અગાસી પરથી પથ્થરનો ઘા કરતા પરેશભાઈને માથામાં ઈજા થઈ હતી અને પંકજભાઈએ પણ કાચના ઘા કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. બનાવની જાણ થતા જ ૧૧૨ અને ૧૦૮ની ટીમ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ગઢવીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રિના સમયે થયેલી આ માથાકુટને પગલે વિસ્તારમાં થોડો સમય તંગદિલી છવાઈ ગઈ હતી, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ થાળે પાડી હતી.
પુત્રના લગ્નની ફી ભરી પરત ફરતા પિતાનું મોત
કોટડા સાંગાણીના શાપર ગામે ગોવિંદનગરમાં રહેતા દેવશીભાઇ ખીમાભાઇ વેગડા (ઉ.વ. 55) નામના પ્રૌઢ ગત 27 એપ્રિલના રોજ પોતાના મોટરસાયકલ પર સોમનાથ ગયા હતા. તેમના પુત્રના લગ્ન આગામી 9 તારીખે સોમનાથ ખાતે સમૂહ લગ્નોત્સવમાં નિર્ધારિત થયેલા હોય, તેની ફી ભરવા માટે તેઓ ગયા હતા. ફી ભરીને પરત શાપર આવી રહ્યા હતા ત્યારે જૂનાગઢના ચોકી-વડાલ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ઠક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દેવશીભાઇ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ તેમને જૂનાગઢ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, જીવન-મરણ વચ્ચે જંગ લડતા દેવશીભાઇએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક દેવશીભાઇ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. ઘરમાં દીકરાના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પિતાની છત્રછાયા ગુમાવતા સંતાનો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માતના બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.