રાજકોટના ચંદનપાર્કમાં BAPS સંસ્કારધામનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના રૈયા રોડ સ્થિત ચંદન પાર્ક વિસ્તારમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પાસે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નૂતન સંસ્કારધામનું ભવ્ય નિર્માણ અને મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવે શહેરમાં આધ્યાત્મિક ઉર્જાનો અનોખો સંચાર કર્યો હતો.
2 મે, શનિવારે વહેલી સવારે 5:30 કલાકે વૈદિક પરંપરા મુજબ યોજાયેલા યજ્ઞથી આ પવિત્ર પ્રસંગની શરૂઆત થઈ હતી. બપોરે 5:00 કલાકે ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અને રાધા-કૃષ્ણની મૂર્તિઓને આકર્ષક રથમાં સુશોભિત કરાઈ હતી. આ યાત્રામાં મહિલા મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર જાનકીબેન કટોલીયા, દક્ષાબેન વાસાણી અને અરુણાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. નગરયાત્રામાં વ્યસનમુક્તિ અને સંસ્કારપૂર્ણ જીવનશૈલીનો સંદેશ આપતા ફ્લોટ્સ તથા યુવતીઓના ગરબા અને લેઝીમ નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
સાંજે 7:30 કલાકે યોજાયેલી જાહેર સભામાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે આ સંસ્કારધામ યુવાનોના ચારિત્ર્ય નિર્માણ માટે પાઠશાળા અને માનવને શુદ્ધ બનાવવાનું આધ્યાત્મિક સર્વિસ સ્ટેશન બનશે. આ સભામાં જયરાજસિંહ જાડેજા, પરેશભાઈ ઠાકર, ડો. અલ્પેશ મોરજારિયા, નાગજીભાઈ વરૂ, વિશાલભાઈ વરીયા, અંજનાબેન મોરજારિયા અને સેજલબેન ચૌધરી જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
3 મે, રવિવારે સવારે સંતોના માર્ગદર્શન હેઠળ વેદોક્ત ષોડશોપચાર વિધિથી મૂર્તિઓની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક પળે ભગવાન સમક્ષ 283 થી વધુ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંતમાં રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ સૌ ભાવિક ભક્તોને આ નૂતન સંસ્કારધામ દ્વારા થનાર સમાજ ઉપયોગી કાર્યોમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
મંદિર માણસને માનવ બનાવવાની પાઠશાળા છે
વરિષ્ઠ પ્રાધ્યાપક સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ આ પ્રસંગે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, વિશ્વના 25 થી વધુ દેશોમાં સ્થિત 1400 થી વધુ મંદિરોની પરંપરાને આગળ વધારતું આ ધામ આધ્યાત્મિકતા અને સમાજસેવાનું પ્રેરણાસ્ત્રોત બનશે. મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ માણસને નમ્રતા, શિસ્ત અને માનવતા શીખવીને જગતમાંથી ભક્ત બનાવવાનું અને જીવન ઘડતર કરવાનું પવિત્ર કાર્ય કરે છે.