રાજકોટમાં આહિર છાત્રાલયના નિર્માણ માટે વિજય વાંકનું .55.55 લાખનું મહાદાન
- કમિટી મેમ્બર અને સમાજ અગ્રણીના અમૂલ્ય દાન બદલ સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આભાર વ્યક્ત કર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અભ્યાસ અર્થે આવતા આહીર સમાજના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી યદુનંદન આહિર કેળવણી મંડળ દ્વારા નવનિર્મિત કુમાર છાત્રાલય ફેઝ-1 નો લોકાર્પણ કાર્યક્રમ કાલાવડ રોડ પર કણકોટ પાસે રવિવારે ભવ્ય રીતે યોજાયો હતો. શિક્ષણને વેગ આપવા માટે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવી રહ્યું છે, જેમાં એક દાતાએ 55.55 લાખનું અનુદાન આપ્યું છે.
અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે 3 એકર જગ્યામાં પથરાયેલા આ પ્રોજેક્ટ દ્વારા સમાજના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખુલશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ છાત્રાલયથી 350 થી વધુ બાળકોને સીધો ફાયદો થશે. આહિર સમાજના છાત્રોના શૈક્ષણિક વિકાસ માટે ગૌરવવંતા દાતા અને કમિટી મેમ્બર વિજય વાંક દ્વારા છાત્રાલયના નિર્માણ હેતુ રૂપિયા 55,55,555 ની માતબર રકમ દાન પેટે આપવામાં આવી છે.
વિજય વાંક દ્વારા આપવામાં આવેલા આ અમૂલ્ય દાન બદલ યદુનંદન આહિર કેળવણી મંડળ રાજકોટના પ્રમુખ બાબુ જીવા સબાડ, ઉપપ્રમુખ રાજુ રામ ખૂંગલા, દેવદાન જારીયા, મંત્રી બાબુ ખાડેચા, અરદાસ ગોગરા અને રતિ ખૂગલા સહિતના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રકારના દાનથી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે અને સમાજનો શૈક્ષણિક પાયો વધુ મજબૂત બનશે.