રાજકોટ વોર્ડ-1 ગ્રાઉન્ડ રિપોર્ટ: "ચોમાસામાં દેડકા દેખાય, એમ ચૂંટણીમાં નેતા દેખાય", જનતામાં ભારોભાર રોષ!
- રૈયાધારથી ઘંટેશ્વર સુધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ - કચરાના ઢગલા અને વીજળીના ધાંધિયાથી રહીશો ત્રાહિમામ
- "પ્રચાર માટે નેતાઓએ આવવું નહીં" - કલ્યાણ પાર્કના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
- 20 વર્ષથી ભાજપનું શાસન છતાં રૈયાધાર ગામડા જેવું - દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર ૧ ના મતદારોમાં સત્તાધારી પક્ષ અને સ્થાનિક નગરસેવકો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. 'દિવ્ય ભાસ્કર'ની ટીમે જ્યારે રૈયાધાર, આલાપ ગ્રીન સિટી અને ઘંટેશ્વર જેવા વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો, ત્યારે અત્યંત ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. રહીશોનો આરોપ છે કે કરોડના બંગલા અને ટેક્સ ભરવા છતાં તેમને પાયાની સુવિધાઓ માટે પણ વલખાં મારવા પડે છે. સ્થાનિક રાહુલ મોભેરાએ તીખું વેણ ઉચ્ચારતા કહ્યું કે, "જેમ ચોમાસામાં દેડકા દેખાય, એમ ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ દેખાય છે."
રૈયાધાર વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ વિસ્તાર આજે પણ કોઈ પછાત ગામડા જેવો ભાસે છે. અહીં કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી, ગટરના ઢાંકણા વારંવાર તૂટી જાય છે અને રોડ પરના બમ્પમાં થતી કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. સ્થાનિક ભરત ચૌહાણના જણાવ્યા મુજબ, અહીં વીજળીના ધાંધિયા મુખ્ય સમસ્યા છે. દિવસમાં બે-ત્રણ વાર લાઈટ જતી રહે છે, જ્યારે બાજુના પોશ વિસ્તારોમાં આવી કોઈ તકલીફ નથી. રહીશોનો આક્ષેપ છે કે ભાનુબેન બાબરીયા સહિતના ચારેય કોર્પોરેટરો છેલ્લા ૫ વર્ષમાં એકવાર પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી.
આશ્ચર્યની વાત એ છે કે, આલાપ ગ્રીન સિટી જેવા પોશ ગણાતા વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. અહીં ગટરની વ્યવસ્થા ન હોવાથી ગંદુ પાણી રસ્તાઓ પર ભરાઈ રહે છે. શાંતિનિકેતન અને બંસી પાર્કની મહિલાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, તેઓ નિયમિત વેરો ભરે છે છતાં મચ્છરોનો ઉપદ્રવ અને રસ્તાના પ્રશ્નો ઉકેલાતા નથી. પુષ્પાબેન યાજ્ઞિકે માંગ કરી છે કે આ વખતે આયાતી નેતાઓને બદલે સ્થાનિક વ્યક્તિને જ ટિકિટ આપવામાં આવે, તો જ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે.
નવા ભળેલા ઘંટેશ્વર અને કલ્યાણ પાર્ક વિસ્તારમાં તો જનતાનો મિજાજ સાવ અલગ જ છે. અહીંના રહીશોએ કંટાળીને હવે સોસાયટીના નાકે 'ચૂંટણી પ્રચાર માટે કોઈએ આવવું નહીં' તેવા બેનરો લગાવવાનો નિર્ણય કર્યો છે. ગીતાબા ચુડાસમાએ જણાવ્યું કે, અહીં આંગણવાડી કે આરોગ્ય કેન્દ્ર જેવી પાયાની સુવિધા પણ નથી. ગટરનું કામ ૩ મહિનાથી અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. અધિકારીઓ અને કોર્પોરેટરો માત્ર આશ્વાસન આપીને જતા રહે છે, પરંતુ જમીન પર કોઈ સુધારો દેખાતો નથી.
વેપારીઓમાં પણ આ વિસ્તારની કથળતી હાલતને લઈને ભારે રોષ છે. ૨૦ વર્ષથી વેપાર કરતા ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે, પીવાના પાણીમાં ઘણીવાર ડહોળું પાણી આવે છે અને રોડ-રસ્તાના કામ હજુ અડધા બાકી છે. પત્રકારો જ્યારે પ્રશ્નો પૂછવા આવે છે ત્યારે નેતાઓ એસી ગાડીઓમાંથી બહાર નીકળતા નથી તેવી વેદના પણ વેપારીઓએ વ્યક્ત કરી હતી. ૨૬ એપ્રિલે જ્યારે મતદાન થવાનું છે, ત્યારે વોર્ડ નંબર ૧ ના આ આક્રોશિત મતદારો સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.