રાજકોટમાં 60 ફૂટ ઊંચા રાવણ દહનની ભવ્ય તૈયારીઓ!
-
રેસકોર્સ મેદાનમાં યોજાશે સૌરાષ્ટ્રનું સૌથી મોટું રાવણ દહન!
-
બહેનોના શસ્ત્ર પ્રદર્શન અને પૂજન સાથે વિજયા દશમી ઉજવાશે!
-
VHPના આયોજનમાં અશોકજી સિંઘલની જન્મ શતાબ્દી ઉજવણી!
સિટી ન્યુઝ @ રાજકોટ : રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી 20 ઓક્ટોબરના વિજયા દશમીના પર્વ પર સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે. આ સાથે જ 50-50 ફૂટના કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પૂતળાઓનું પણ દહન કરાશે, જેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ વર્ષે VHP દ્વારા અશોકજી સિંઘલનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. VHP મંત્રી પરેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે આ વખતે પરંપરાગત પૂતળાઓની સાથેસાથે ધર્માન્તરણ, લવ જેહાદ અને કુસંસ્કારોના પ્રતીક સમાન પૂતળાઓનું પણ દહન કરવાનો વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા 40 વર્ષથી રાજકોટમાં આ પ્રકારે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય કાર્યક્રમમાં બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક કિશનજી પ્રજાપત વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેશે અને ધર્મપ્રેમી જનતાને માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રસંગે કુરુક્ષેત્ર સંસ્થાના માર્ગદર્શન હેઠળ બહેનો અને દીકરીઓ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજાશે, ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિધિવત શસ્ત્રોનું પૂજન કરવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
આયોજકોએ આક્ષેપ કર્યો છે કે આદિવાસી વિસ્તારો તેમજ રાજકોટમાં પણ કેટલાક સ્થળોએ મિશનરીઓ દ્વારા લોભ-લાલચ આપીને ધર્માન્તરણ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેમજ લવ જેહાદના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેને અટકાવવા માટે સામાજિક જાગૃતિ અત્યંત આવશ્યક છે.
સામાજિક કુરીતિઓ સામે જાગૃતિ લાવવા પૂતળા દહનની નવી પહેલ
રાજકોટમાં દર વર્ષે યોજાતા રાવણ દહનના કાર્યક્રમને આ વખતે VHP દ્વારા એક અલગ જ રૂપ આપવામાં આવ્યું છે. રાવણ, કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પારંપરિક પૂતળાઓની સાથે ધર્માન્તરણ, લવ જેહાદ અને કુસંસ્કારોના પૂતળા ફૂંકવાનો નિર્ણય સમાજમાં પ્રવર્તતી બદીઓ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે છે. બહેનો દ્વારા યોજાનાર શસ્ત્ર પ્રદર્શન અને શસ્ત્ર પૂજન આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે, જે આત્મરક્ષણ અને સંસ્કૃતિના રક્ષણનો સંદેશ આપશે.