Loading Please Wait !!!
મોરબીમાં ખેડૂત આક્રોશ મહાસભા, કોંગ્રેસ દ્વારા સરકાર ઘેરાઈ

 

  • 22 ઓક્ટોબરે મોરબીમાં કોંગ્રેસની ભવ્ય ખેડૂત આક્રોશ સભા!

  • ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાને!

  • સૌની યોજનાનું પાણી અને પાકવીમા મુદ્દે સરકાર પર પ્રહાર!

સિટી ન્યુઝ @ રાજકોટ : ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને રાજકારણ ભારે ગરમાયું છે. આગામી 22 ઓક્ટોબરે મોરબી ખાતે કોંગ્રેસ દ્વારા ભવ્ય 'ખેડૂત આક્રોશ મહાસભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાનો મુખ્ય હેતુ બહેરી-મૂંગી સરકારને જગાડવાનો, સિંચાઈનું પાણી આપવાનો, વીજપોલના પ્રશ્નો ઉકેલવાનો અને સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો હોવાનું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું.

આ આક્રોશ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ દ્વારા આ સભામાં 20 હજારથી વધુ ખેડૂતો ઉમટી પડશે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હોવાથી સરકારે તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું જોઈએ તેવી માંગ કરાઈ છે.

લલિત કગથરાએ ગ્રીન કોરિડોરના મામલે સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રીબડાથી એરપોર્ટ સુધી ખેડૂતોની કરોડોની જમીનો સસ્તા ભાવે પડાવી લેવાઈ રહી છે અને મોરબીના ભાજપ નેતાઓના ફાયદા માટે એલાઈમેન્ટ બદલાય છે. તેમજ વીજપોલ નાખીને ખેડૂતોની જમીનો નકામી બનાવાઈ રહી છે અને અદાણી કંપનીને ફાયદો કરાવાઈ રહ્યો છે. હાલ રાજ્યમાં સાંજે 4 થી સવારે 4 વાગ્યા સુધીના વીજકાપથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાકવીમા અને મગફળીની ખરીદીના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે માંગ કરી હતી કે ગુજરાતમાં પણ જૂની પાકવીમા યોજના ફરી શરૂ કરાય અને મધ્યપ્રદેશની જેમ 'ભાવાંતર યોજના' લાગુ કરીને ખેડૂતોને સીધી આર્થિક સહાય અપાય. ભાદર-2 ડેમનું પાણી પણ ખેડૂતોને સિંચાઈ માટે આપવાની માંગ સભામાં મુખ્યરૂપે ઉઠાવાશે.

આ સભામાં ખાતરના વધેલા ભાવ, દવાઓનો ખર્ચ અને પાકના વીમા મુદ્દે પણ સરકાર સામે ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના નેતાઓએ તમામ ખેડૂતોને આ આક્રોશ મહાસભામાં મોટી સંખ્યામાં જોડાઈને પોતાના હકો માટે અવાજ બુલંદ કરવા અપીલ કરી છે.

ખેડૂતોના પ્રશ્નો પર રાજકારણ ગરમ, શું સરકાર પોષણક્ષમ ન્યાય આપશે?

ગુજરાતમાં ઓછા વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ત્યારે રાજકીય આક્ષેપબાજી વચ્ચે સાચો ન્યાય ક્યારે મળશે તે મોટો સવાલ છે. ગ્રીન કોરિડોરના એલાઈમેન્ટના વિવાદથી લઈને વીજસંકટ અને ખાતરના મોંઘા ભાવ સુધીના પ્રશ્નો આજે અન્નદાતાને કફોડી હાલતમાં મૂકી દીધા છે. જો સમયસર સરકાર દ્વારા નક્કર પગલાં નહીં ભરાય, તો ખેડૂતોનો આક્રોશ વધુ ઉગ્ર બનશે તે નક્કી છે.