Loading Please Wait !!!
જામનગરના નવરાત્રિ મહોત્સવમાં અંબાણી પરિવારની ભવ્ય હાજરી!

 

  • ‘નીતાભાભી’ નામ સાંભળતા જ ઝૂમી ઉઠ્યા જામનગરવાસીઓ!

  • રાધિકાએ આપ્યું ક્યૂટ કોમ્પ્લિમેન્ટ, ક્રાઉડે પાઠવ્યા જન્મદિનના અભિનંદન!

  • આઠમના પાવન પર્વે નીતા અને રાધિકાના જબરદસ્ત ગરબા!

સિટી ન્યુઝ @ જામનગર : જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આઠમના પાવન પર્વે અંબાણી પરિવારના ઉત્સાહભર્યા આગમનથી સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ગૂંજી ઉઠ્યું હતું. અંબાણી પરિવાર સ્ટેજ પર પહોંચતા જ ભવ્ય આતશબાજી અને ખેલૈયાઓની જોરદાર ચિચિયારીઓ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મંચ પરથી જનમેદનીને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જામનગર સાથેના પોતાના 35 વર્ષ જૂના સંબંધો અને યાદો વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે 1995માં નીતા પહેલીવાર અહીં આવી હતી. આટલું કહીને જેવું મુકેશ અંબાણીએ “હવે હું નીતાભાભીને કહું છું...” કહ્યું, કે તરત જ હાજર જનમેદની તાળીઓ અને ચિચિયારીઓથી ઝૂમી ઉઠી હતી.

આ પ્રસંગે રાધિકા મર્ચન્ટે મંચ પરથી મુકેશ અંબાણીને “એકદમ ક્રિષ્ના લાગો છો” તેવી ક્યૂટ કોમ્પ્લિમેન્ટ આપી હતી. આ વાઈરલ ડાયલોગ સાંભળતા જ ગ્રાઉન્ડમાં હાજર હજારો ખેલૈયાઓએ ઉત્સાહમાં આવીને એકસૂરે રાધિકાને ‘હેપ્પી બર્થડે’ વિશ કર્યું હતું, જેના જવાબમાં રાધિકાએ પણ સૌનો આભાર માન્યો હતો.

આઠમની આ વિશેષ રાત્રે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સ્ટેજ પરથી ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય અંબે મા’ અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પછી નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે સ્ટેજ પર મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.

અંબાણી પરિવારે આઠમના પાવન અવસરે માતાજીની આરાધના કરી હતી અને જામનગરવાસીઓને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. પરિવારના આ સરળ અને ઉત્સાહી સ્વભાવે સમગ્ર ગ્રાઉન્ડના માહોલને વધુ યાદગાર બનાવી દીધો હતો.

જમીન સાથે જોડાયેલા અંબાણી પરિવારનો જામનગર પ્રત્યેનો અનોખો પ્રેમ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ હોવા છતાં જ્યારે અંબાણી પરિવાર જામનગરની ધરતી પર આવે છે, ત્યારે તેમની સાદગી અને અપનાવટ સૌનું મિલન કરાવી દે છે. મુકેશ અંબાણી દ્વારા 35 વર્ષના જૂના સંસ્મરણો વાગોળવા અને ‘નીતાભાભી’ કહીને સંબોધન કરવું એ દર્શાવે છે કે તેઓ આ શહેર અને તેના લોકો સાથે ભાવનાત્મક રીતે કેટલા જોડાયેલા છે. નવરાત્રિના આ પાવન પર્વે અંબાણી પરિવારની ઉપસ્થિતિએ જામનગરવાસીઓની ખુશીઓમાં ચાર ચાંદ લગાવી દીધા.