Loading Please Wait !!!
સુરતના કાપડ બજારમાં આગ, આદિનાથ માર્કેટમાં અફરાતફરી!

 

  • ફાયર વિભાગની સતર્કતાથી મોટી હોનારત ટળી!

  • ટેક્સટાઈલ માર્કેટના ત્રીજા માળે ફાટી નીકળી ભીષણ આગ!

  • 14 ગાડીઓની જહેમત બાદ આગ પર કાબૂ!

સિટી ન્યુઝ @ સુરત 

સુરતના પ્રખ્યાત કાપડ બજારમાં ફરી 1 વાર આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલી મોટી બેગમવાડી અને માનદરવાજા સામેની ગલીમાં ધમધમતી આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે આસપાસના વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની વિગતો મુજબ આજે સવારે આશરે 10:45 વાગ્યાના અરસામાં ફાયર કંટ્રોલ રૂમને આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. માર્કેટના ત્રીજા માળે આવેલી 1 દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને દૂરથી જ ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ-અલગ 10 ફાયર સ્ટેશનો પરથી આશરે 14 થી 15 ફાયર ટેન્કરો અને ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો.

ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી સીએફઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર જવાનોની સમયસૂચકતા અને સતર્કતાને કારણે આગ માત્ર 1 જ દુકાન પૂરતી સીમિત રહી હતી અને આજુબાજુની અન્ય દુકાનોમાં ફેલાતી અટકી ગઈ હતી.

હાલ આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ ભારે ધુમાડો હોવાથી ફાયર ટીમ દ્વારા કૂલિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, જોકે આ અચાનક લાગેલી આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સુરતના કાપડ બજારોમાં અવારનવાર ભડકતી આગ સામે તંત્ર ક્યારે જાગશે?

સુરતના ટેક્સટાઈલ માર્કેટો જાણે આગના ગોળા બનતા જઈ રહ્યા છે. અગાઉ પણ અનેક વખત માર્કેટોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં ફાયર સેફ્ટીના નિયમોના અમલીકરણમાં હજુ પણ ભારે લાપરવાહી જોવા મળે છે. સદનસીબે આદિનાથ માર્કેટમાં ફાયર વિભાગ સમયસર પહોંચી ગયો તેથી મોટી હોનારત ટળી ગઈ, પરંતુ જો તંત્ર દ્વારા અગાઉથી જ કડક ચેકિંગ કરવામાં ન આવે તો આ લાપરવાહી ગમે ત્યારે કોઈ મોટી જાનહાનિનું કારણ બની શકે છે.