Loading Please Wait !!!
મોરબીમાં નવરાત્રિ ટાણે 94 દીકરીઓને લાખોની આર્થિક સહાય!

 

  • માતા-પિતા વિહોણી દીકરીઓ માટે ઉમિયા નવરાત્રિ બની વરદાન!

  • આરતીની બોલીમાંથી એકઠા થયા લાખો રૂપિયાનું અનુદાન!

  • ફાલતુ ખર્ચ ટાળી જરૂરિયાતમંદ દીકરીઓને સોનાનો દાણો અર્પણ!

સિટી ન્યુઝ @ મોરબી : મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દરમિયાન આઠમના પાવન પર્વે એક અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય કમજોર વર્ગની દીકરીઓની સહાય માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં માતા-પિતા વગરની અથવા માત્ર પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 94 જરૂરિયાતમંદ દીકરીઓને પ્રત્યેકને ₹21,000 ની રોકડ આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ ભવ્ય આયોજનમાં નવરાત્રિની આરતીના ચડાવા માટે વિશેષ બોલી લગાવવામાં આવી હતી, જેમાં રુદ્ર ઇવેન્ટ ગ્રૂપે સૌથી વધુ ₹10.50 લાખ રૂપિયાની બોલી લગાવીને આરતીના યજમાન બનવાનું સૌભાગ્ય મેળવ્યું હતું. આ ઉપરાંત કિશનભાઈ ગામી અને તેમના પરિવારે પણ ₹9.24 લાખનું ઉદાર યોગદાન આપ્યું હતું, જેનાથી કુલ ₹19.74 લાખનું ભંડોળ એકત્ર થયું હતું.

આ સત્કાર્ય અંગે માહિતી આપતા આયોજક સમિતિના સભ્ય મનસુખ દલાસણિયાએ જણાવ્યું હતું કે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મનોજ એરવાડીયા, તેમના ભાઈ નિતિનભાઈ અને બ્લૂઝોન વિટ્રીફાઇડ પરિવારે તમામ 94 દીકરીઓને સ્નેહપૂર્વક એક-એક સોનાનો દાણો પણ ભેટ આપ્યો હતો.

આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રિમાં થતા બિનજરૂરી અને મોટા ખર્ચાઓને ટાળીને સમાજની જરૂરિયાતમંદ અને અસહાય દીકરીઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓના સહયોગથી આ દીકરીઓના જીવનમાં ખુશીઓ લાવવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

મોરબીના પાટીદાર સમાજ દ્વારા ઉત્સવની ઉજવણીની સાથેસાથે કરવામાં આવેલી આ માનવતાવાદી પહેલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને અન્ય લોકો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

ઉત્સવની ધમાલ વચ્ચે જરૂરિયાતમંદ દીકરીઓની વ્હારે આવતો સમાજ

નવરાત્રિ જેવા રંગારંગ તહેવારોમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરતા લોકો વચ્ચે મોરબીના ઉમિયા નવરાત્રિ મહોત્સવ આયોજકોએ એક ઉત્તમ મિસાલ કાયમ કરી છે. મોજશોખ અને દેખાડા પાછળ નાણાં બગાડવાને બદલે અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓને ₹21,000 ની આર્થિક સહાય અને સોનાનો દાણો ભેટ આપીને સામાજિક જવાબદારીનો અદ્ભુત પરિચય આપ્યો છે. સાચા અર્થમાં ધર્મ અને ઉત્સવ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે સમાજના છેવાડાના પીડિત માનવી કે દીકરીના આંસુ લૂછી શકાય.