Loading Please Wait !!!
રાજકોટમાં ચૂંટણીનો ધમધમાટ: આનંદનગર હોલમાં વોર્ડ નં. 16, 17 અને 18 ના 210 EVM મશીનોનું ચેકિંગ પૂર્ણ

 

  • મામલતદાર નિતેશ પંડ્યાની દેખરેખ હેઠળ બેટરી અને કંટ્રોલ યુનિટ તપાસાયા; તમામ EVM સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રખાયા

  • ઉમેદવારોના સ્ટીકરથી માંડીને બેલેટ યુનિટની ઝીણવટભરી તપાસ; આનંદનગર કોમ્યુનિટી હોલ પોલીસ છાવણીમાં ફેરવાયો

  • બેટરી બેકઅપ અને યુનિટ કનેક્ટિવિટીનું સચોટ ટેસ્ટિંગ; મામલતદારે કહ્યું- "એક પણ ઈવીએમમાં ટેકનિકલ ખામી જણાઈ નથી"

  • રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે માત્ર ૪ દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વને સફળ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે આજે વોર્ડ નંબર ૧૬, ૧૭ અને ૧૮ માટે ફાળવવામાં આવેલા ૨૧૦ EVM મશીનોની ટેકનિકલ ચકાસણી અને સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

    ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ રાજકોટ પશ્ચિમના મામલતદાર નિતેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ૩૦ કર્મચારીઓની ટીમે આ કામગીરી સંભાળી હતી. તપાસ દરમિયાન EVM માં બેટરીની ક્ષમતા, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ વચ્ચેનું જોડાણ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. મામલતદારે મીડિયાને જણાવ્યું હતું કે, "અત્યાર સુધી તપાસવામાં આવેલા ૨૧૦ મશીનો પૈકી એક પણ મશીનમાં કોઈ ટેકનિકલ ખામી જોવા મળી નથી."

    ઉમેદવારોના સ્ટીકર અને સીલિંગ ચકાસણી દરમિયાન મશીનો પર ચૂંટણી લડતા ઉમેદવારોના સ્ટીકરો યોગ્ય ક્રમમાં અને મજબૂત રીતે ચોટાડેલા છે કે નહીં તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં મશીનોને સીલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નિયત કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે આ મશીનો સીધા મતદાનના દિવસે જ બહાર કાઢવામાં આવશે.