Loading Please Wait !!!
રાજકોટ મનપાનો જંગ: કોંગ્રેસના ઉમેદવારો ઘોડા પર સવાર થઈ રણમેદાનમાં, 'આપ' ની સાદગીપૂર્ણ એન્ટ્રી!

  • વોર્ડ 8 માં રણજીત મુંધવાનું શક્તિપ્રદર્શન – ભ્રષ્ટાચાર સામેના જંગને 'યુદ્ધ' ગણાવી ફોર્મ ભર્યું
  • વોર્ડ 4 માંથી રાહુલ ભુવા સહિત 'આપ' ની પેનલે નોંધાવી દાવેદારી – જનતાના પાયાના પ્રશ્નો મુદ્દે જંગ
  • ફ્રી ક્લિનિક અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાયદા – ભ્રષ્ટાચાર અને કૌભાંડોને બનાવ્યા મુખ્ય હથિયાર

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાના શ્રીગણેશ થતા જ શહેરના રાજકીય પક્ષોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના ઉમેદવારો પોતપોતાની આગવી શૈલીમાં અને સમર્થકોના મહેરામણ સાથે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા શક્તિપ્રદર્શન અને આમ આદમી પાર્ટી દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.

વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના ઉમેદવારોએ આકર્ષણ જમાવ્યું હતું. કોર્પોરેટર રણજીત મુંધવા ઢોલ-નગારાના ગડગડાટ વચ્ચે પરંપરાગત શૈલીમાં ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમની સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના ઉમેદવારો પણ જોડાયા હતા. મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે, "આ ચૂંટણી અમારા માટે ભ્રષ્ટાચાર સામેનું યુદ્ધ છે અને તેથી જ અમે યુદ્ધના મેદાનની જેમ ઘોડા પર સવાર થઈને રણનીતિ સાથે મેદાને ઉતર્યા છીએ." કોંગ્રેસે જો સત્તા મળશે તો મનપામાં ખાનગી જેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો અને ફ્રી ક્લિનિક્સ બનાવવાનું વચન જનતાને આપ્યું છે.

બીજી તરફ, આમ આદમી પાર્ટીએ સાદગીનો રસ્તો અપનાવ્યો છે. વોર્ડ નંબર 4 માંથી પાર્ટીના પ્રવક્તા રાહુલ ભુવાએ કોઈપણ પ્રકારના ભપકા કે આડંબર વગર સાદગીપૂર્વક પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. તેમની સાથે હાર્દિક રાબડિયા, અવની જાગાણી અને રિદ્ધિ મેટારીયાની પેનલે પણ ફોર્મ ભર્યા હતા. રાહુલ ભુવાએ જણાવ્યું કે, તેઓ પારદર્શક અને જવાબદાર શાસન આપવાના એજન્ડા સાથે મેદાનમાં ઉતર્યા છે અને લાંબા સમયથી જનસેવા સાથે જોડાયેલા હોવાથી મતદારો પર તેમને પૂરો ભરોસો છે.

રાજકોટમાં આજે એક તરફ ઢોલ-નગારા અને વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવવાની પરંપરા જોવા મળી, તો બીજી તરફ સાદગી સાથે જનસંપર્ક પર ભાર મૂકતા ઉમેદવારોએ પણ આકર્ષણ જમાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોએ કોર્પોરેશનમાં તાજેતરમાં સામે આવેલા કૌભાંડોને લઈને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમ જેમ ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવશે, તેમ તેમ અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના શક્તિપ્રદર્શનથી શહેરનું રાજકારણ વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

રાજકોટની જનતા હવે આ ત્રિપાંખિયા જંગમાં કોને સત્તાનું સુકાન સોંપશે તે જોવું રસપ્રદ રહેશે. વિપક્ષોએ ભ્રષ્ટાચાર અને પાયાની સુવિધાઓને હથિયાર બનાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ સ્વચ્છ રાજકારણનો મંત્ર ફૂંક્યો છે. અત્યારે તો રાજકોટની ગલીઓ અને ચૂંટણી કચેરીઓ 'ઝિંદાબાદ' ના નારાઓથી ગુંજી રહી છે.