રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની 'સર્જિકલ સ્ટ્રાઈક': 36 માંથી 33 બેઠકો જાહેર, પ્રમુખ-ચેરમેન સહિતના દિગ્ગજોના પતા કપાયા!
લોધીકા બેઠક પરથી હસાવશે 'કાઠિયાવાડી ગોળ' – હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા મેદાનમાં
મોવિયા બેઠક પરથી રાજેશ ડાંગર લડશે ચૂંટણી – બેડી બેઠક પર સુમીતાબેન ચાવડા રિપીટ
3 બેઠકો પર હજુ પણ સસ્પેન્સ યથાવત – કુવાડવા અને શિવરાજપુરના મૂરતિયા કોણ?
રાજકોટ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ભાજપે પોતાના મૂરતિયા જાહેર કરી દીધા છે. રવિવારે જાહેર થયેલી 33 ઉમેદવારોની યાદીમાં ભાજપે 'પેઢી પરિવર્તન' અને 'નો-રિપીટ' થીયરીનો કડક અમલ કર્યો છે. 36 બેઠકો ધરાવતી જિલ્લા પંચાયતમાં 29 બેઠકો પર નવા ચહેરાઓને તક આપીને ભાજપે જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. સૌથી વધુ ચર્ચિત નામ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાનું છે, જેમને લોધીકા બેઠક પરથી મેદાનમાં ઉતારાયા છે.
આ યાદીમાં પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, વર્તમાન પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને કારોબારી ચેરમેન પી.જી. કિયાડા જેવા દિગ્ગજોની બાદબાકી થતા રાજકીય ગરમાવો સર્જાયો છે. પક્ષે પાયાના કાર્યકરો અને નવા સમીકરણો પર ભરોસો મૂક્યો છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગર પોતાની ટિકિટ બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ તેમની બેઠક બદલીને દેરડીથી મોવિયા કરવામાં આવી છે.
કોંગ્રેસથી આવેલા દિગ્ગજ ખાટરિયાને ઝટકો: સૌથી મોટો ઉલટફેર અર્જુન ખાટરિયાના કિસ્સામાં જોવા મળ્યો છે. 25 વર્ષ કોંગ્રેસમાં રહીને ગત વર્ષે ભાજપમાં આવેલા અને સતત 4 ટર્મથી વિજેતા બનતા ખાટરિયાને ભાજપે ટિકિટ આપી નથી. આ નિર્ણયથી જિલ્લાના સહકારી અને રાજકીય માળખામાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. ભાજપે જામકંડોરણા અને ગોંડલ જેવા પોતાના ગઢ સાચવવા માટે અત્યારથી જ વ્યૂહરચના તેજ કરી દીધી છે.
હજુ પણ કુવાડવા, બેડલાં અને શિવરાજપુર જેવી 3 મહત્વની બેઠકો પર ઉમેદવાર જાહેર કરાયા નથી, જે સૂચવે છે કે અહીં હજુ પણ ખેંચતાણ અથવા વ્યૂહરચના બાકી છે. શું ભાજપનો આ 'નવા ચહેરા' વાળો દાવ વર્ષ 2021 જેવો ભવ્ય વિજય અપાવશે? કે પછી કોંગ્રેસ 2015 જેવું પુનરાવર્તન કરશે? તે તો હવે જનતાના હાથમાં છે.