Loading Please Wait !!!
રાજકોટમાં ફોર્મ ચકાસણી ટાણે હાઈવોલ્ટેજ ડ્રામા: ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર તું તું મેં મેં

 

  • રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી દરમિયાન ભારે હોબાળો.

  • વોર્ડ-11 ના ભાજપ ઉમેદવાર રક્ષિત કલોલા અને વોર્ડ-14 ના કેતન પટેલના ફોર્મ સામે કોંગ્રેસના વાંધા.

  • મનીષાબા વાળા અને ભાજપ સમર્થકો વચ્ચે ચૂંટણી કચેરી ખાતે ઉગ્ર દલીલોના દ્રશ્યો સર્જાયા.

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણી માટે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હંગામી રહ્યો હતો. શહેરના વોર્ડ નંબર 11 અને 14 માં ભાજપના ઉમેદવારોના ફોર્મ રદ કરાવવા મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ખાસ કરીને શહેર મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષાબા વાળા અને ભાજપ ઉમેદવાર રક્ષિત કલોલાના સમર્થકો વચ્ચે થયેલી તું-તું મેં-મેં એ ચૂંટણી કચેરીના વાતાવરણને ઉત્તેજિત કરી દીધું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના ઉમેદવારોની વિગતોમાં ક્ષતિ હોવા છતાં અધિકારીઓ તેમને રક્ષણ આપી રહ્યા છે.

    વોર્ડ નંબર 11 ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલા સામે કોંગ્રેસે એવો વાંધો ઉઠાવ્યો હતો કે તેઓ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા હોવાથી ચૂંટણી લડી શકે નહીં. જોકે, કલોલાએ પુરાવા રજૂ કર્યા હતા કે તેમણે 11 એપ્રિલે ફોર્મ ભર્યાના બે દિવસ પહેલા જ 9 એપ્રિલે રાજીનામું આપી દીધું હતું. તેવી જ રીતે વોર્ડ નંબર 14 ના ભાજપ ઉમેદવાર કેતન પટેલના સોગંદનામામાં મિલકત અને વેરાની વિગતો છુપાવી હોવાનો આક્ષેપ વોર્ડના કોંગ્રેસ આગેવાન રાજુભાઈ ચાવડિયાએ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે કેતન પટેલને અધૂરી વિગતો પૂર્ણ કરવા માટે નિયમ વિરુદ્ધ વધારાનો સમય આપીને અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે.

    આ તમામ આક્ષેપો અને વાંધા અરજીઓ પર ઊંડાણપૂર્વક વિચારણા કર્યા બાદ, ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા હતા. આ નિર્ણય આવતા જ ભાજપના સમર્થકોએ નારા લગાવવાનું શરૂ કર્યું હતું, જેનાથી કોંગ્રેસના નેતાઓ રોષે ભરાયા હતા. ભાજપના ઉમેદવાર કેતન પટેલે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "કોંગ્રેસ અત્યારથી જ પોતાની હાર ભાળી ગઈ છે, તેથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આવા પાયાવિહોણા વાંધાઓ ઉભા કરી રહી છે." રક્ષિત કલોલાએ પણ પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.

    રાજકોટની 18 વોર્ડની બેઠકો માટે આ વખતે કુલ 554 ફોર્મ ભરાયા હતા. સ્ક્રુટિનીના અંતે જે આંકડા સામે આવ્યા છે તે મુજબ માત્ર 243 ફોર્મ માન્ય રહ્યા છે, જ્યારે 311 ફોર્મ અમાન્ય એટલે કે રદ કરવામાં આવ્યા છે. માન્ય ફોર્મમાં ભાજપ અને કોંગ્રેસના 72-72 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે આમ આદમી પાર્ટીના 70 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવશે. બસપાના 10 અને 19 અપક્ષ ઉમેદવારોના ફોર્મ પણ માન્ય રખાયા છે. જોકે, 'આપ' ના વોર્ડ નં. 2 ના ઉમેદવાર પ્રતાપભાઈ લોખીલને મેન્ડેટ ન મળતા તેમનું ફોર્મ રદ થયું હતું.

    હવે 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણી જંગનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. અનેક અપક્ષો અને ક્ષતિવાળા ફોર્મ રદ થવાને કારણે હવે મુખ્ય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. રાજકોટમાં જે પ્રકારે ફોર્મ ચકાસણીમાં નેતાઓ આમને-સામને આવી ગયા છે તે જોતા આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ તેજ બને અને રાજકીય આક્ષેપબાજી ચરમસીમાએ પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.