Loading Please Wait !!!
રાજકોટ ભાજપમાં 'બળવો': વિઠ્ઠલ પટેલે પૂર્વ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો, "35 વર્ષ લોહી રેડ્યું, તોય ટિકિટ કેમ કાપી?"

  • પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મેદાને – નારાજ શૈલેષ જાની સહિત 12 નેતાઓ સાથે 'ચાય પે ચર્ચા'
  • શહેર પ્રમુખ માધવ દવેના ઘરે હાઈ-વોલ્ટેજ ડ્રામા – શૈલેષ જાનીના બદલે નેહલ શુક્લને મેન્ડેડ આપતા ગરમાવો
  • વોર્ડ નં. 17 માં ભભૂક્યો અસંતોષ – પ્રદેશ પ્રમુખે આપ્યું વચન: "કાર્યકર્તા તરીકેની મહેનતની નોંધ લેવાશે"

રાજકોટ મહાનગરપાલિકાના 72 ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ ભાજપના ગઢમાં આંતરિક વિખવાદનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. સૌથી વધુ આઘાતજનક સ્થિતિ વોર્ડ નંબર 7 માં જોવા મળી, જ્યાં શિક્ષણ જગતના અગ્રણી શૈલેષ જાનીનું નામ ફાઈનલ હોવા છતાં અને તેઓ વિજય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બિરાજમાન હોવા છતાં છેલ્લી ઘડીએ તેમનું નામ કાપીને નેહલ શુક્લને મેન્ડેડ આપી દેવામાં આવ્યું. આ ઘટનાને પગલે શૈલેષ જાની સહિતના અનેક નેતાઓએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.

આ સ્થિતિને થાળે પાડવા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સવારે જ રાજકોટ દોડી આવ્યા હતા. તેમણે શહેર પ્રમુખ ડો. માધવ દવેના નિવાસસ્થાને અંદાજે એક ડઝન જેટલા નારાજ નેતાઓને બોલાવી તેમની વ્યથા સાંભળી હતી. બેઠકમાં નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા, હેમુ પરમાર અને શૈલેષ ડાંગર જેવા દિગ્ગજ નારાજ નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખે તેમને આશ્વાસન આપતા કહ્યું કે, "પક્ષ માટે કરેલી તમારી મહેનતની ચોક્કસ નોંધ લેવામાં આવશે, પણ અત્યારે આપણો ઉમેદવાર માત્ર કમળ છે."

જોકે, વોર્ડ નંબર 17 માં રોષ સૌથી વધુ ઉગ્ર જોવા મળ્યો હતો. 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા વિઠ્ઠલ પટેલે રડમસ અવાજે જણાવ્યું હતું કે, "પૂર્વ ધારાસભ્યએ મારી ટિકિટ કપાવી છે. મેં 25 વર્ષ સુધી કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી અને આજે મને એવું કહેવામાં આવે છે કે તમે વોર્ડમાં રહેતા નથી! તો શું 35 વર્ષ સુધી મારું કામ ગણતરીમાં નહોતું?" આ જ વોર્ડના ચંદુભાઈ ગરનારાએ પણ ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલય બહાર હંગામો કરતા આક્ષેપ કર્યો હતો કે જે લોકો ભાજપના સક્રિય સભ્ય પણ નથી તેવા અજાણ્યા ચહેરાઓને ટિકિટ આપીને પાયાના કાર્યકરોની બલિ ચડાવવામાં આવી છે.

રાજકોટના આ રાજકીય ડ્રામાએ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં પણ ચર્ચા જગાવી છે. શિક્ષણવિદ્ શૈલેષ જાની જેવા સનિષ્ઠ ચહેરાની બાદબાકી શિક્ષણ જગત માટે આઘાતજનક છે. બીજી તરફ, નારાજ નેતાઓ જો ચૂંટણીમાં નિષ્ક્રિય રહેશે તો ભાજપના 'પેનલ ટુ પેનલ' જીતના લક્ષ્યાંક પર પાણી ફરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ પ્રમુખની સમજાવટ કેટલી કારગત નીવડે છે અને 26 એપ્રિલના મતદાનમાં આ આંતરિક યાદવાસ્થળીની શું અસર થાય છે.