Loading Please Wait !!!
રાજકોટ ભાજપમાં છેલ્લી ઘડીએ ખેલ પાડવાની જૂની પરંપરા, શૈલેશ જાનીના કિસ્સાથી ઈતિહાસ તાજો થયો

  • 1992 માં સાત ઉમેદવારો અને 2015 માં રૂપાણીના હઠાગ્રહની યાદો ફરી જીવંત થઈ
  • વર્ષ 1992 માં રાતોરાત બદલાયા હતા 7 ચહેરા, શિસ્તના નામે કાર્યકરોમાં ગણગણાટ
  • 2015 માં હઠાગ્રહ નડ્યો હતો, શું 2026 માં વોર્ડ નં. 7 નું સમીકરણ ભાજપને ફળશે?

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના જંગમાં ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં ફરી એકવાર મોટો વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 7 માં શિક્ષણશાસ્ત્રી શૈલેશ જાનીની ટિકિટ છેલ્લી ઘડીએ કાપીને ડો. નેહલ શુકલને મેદાનમાં ઉતારવામાં આવતા રાજકીય આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપમાં ફોર્મ ભરવાના અંતિમ સમય સુધીમાં ઉમેદવાર બદલવાની પરંપરા નવી નથી, પરંતુ આ વખતે જે રીતે શૈલેશ જાનીને જાહેરમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે, તેણે 1992 અને 2015 ના ઐતિહાસિક કિસ્સાઓની યાદ તાજી કરી દીધી છે.

વર્ષ 1992 ની ચૂંટણી રાજકોટ ભાજપ માટે સીમાચિહ્નરૂપ રહી હતી. તે સમયે પક્ષના ભીષ્મ પિતામહ ચિમનભાઈ શુકલ અને પૂર્વ સાંસદ શિવલાલ વેકરિયાના જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલતી હતી. ફોર્મ ભરાઈ ગયા બાદ ચિમનભાઈ શુકલને આશંકા જાગી હતી કે શિવલાલ જૂથના ઉમેદવારો ભવિષ્યમાં બળવો કરી શકે છે. આ આશંકાને પગલે ભાજપે રાતોરાત 7 જેટલા ઉમેદવારો બદલી નાખ્યા હતા. જેમાં ગોવિંદભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાએ પણ પક્ષના આદેશને શિરોમાન્ય રાખી છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું.

આવી જ રીતે વર્ષ 2015 ની ચૂંટણીમાં તત્કાલીન મંત્રી વિજય રૂપાણીના હઠાગ્રહને કારણે ભાજપને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વોર્ડ નંબર 10 માં બેઠક સામાન્ય હોવા છતાં વિજય રૂપાણીએ પોતાના સાથીદાર પરેશ હુંબલને ટિકિટ અપાવવા જીદ પકડી હતી. સ્થાનિક કાર્યકરોની નારાજગી વચ્ચે ટિકિટ અપાઈ ખરી, પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં કોંગ્રેસના મનસુખભાઈ કાલરીયા વિજયી બન્યા હતા. આ કિસ્સો સાબિત કરે છે કે વ્યક્તિગત હઠાગ્રહ ક્યારેક પક્ષને મોંઘો પડે છે.

વર્તમાન સ્થિતિમાં વોર્ડ નંબર 7 ના વિજય વિશ્વાસ સંમેલનમાં જે બન્યું તે અત્યંત ચર્ચાસ્પદ છે. શૈલેશ જાની ઉમેદવાર તરીકે મંચ પર બિરાજમાન હતા ત્યારે જ અચાનક ડો. નેહલ શુકલના નામની જાહેરાત થઈ હતી. આ સાથે જ શૈલેશ જાનીને મંચ પરથી નીચે ઉતરી જવાની ફરજ પડી હતી. પક્ષના આંતરિક વર્તુળો આને શિસ્તબદ્ધ નિર્ણય ગણાવે છે, પરંતુ રાજકીય વિશ્લેષકો આની પાછળ 1992 જેવો જ કોઈ આંતરિક જૂથવાદ જવાબદાર હોવાનું માની રહ્યા છે.

રાજકોટના રાજકારણમાં છેલ્લી ઘડીના આ ખેલ હંમેશા પરિણામો પર અસર કરતા રહ્યા છે. શૈલેશ જાની જેવા પ્રતિષ્ઠિત ચહેરાનું પત્તું કાપીને નેહલ શુકલને મેદાને ઉતારવાનો આ નિર્ણય ભાજપ માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે કે પછી 2015 જેવું નુકસાન કરાવશે, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે. જોકે, આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ભાજપમાં ટિકિટની જાહેરાત થઈ જાય તો પણ ફોર્મ ભરાય ત્યાં સુધી કંઈ પણ નિશ્ચિત હોતું નથી.