Loading Please Wait !!!
રાજકોટ ભાજપમાં વિસ્ફોટ: "રૂપાલાનો વિરોધ હોવા છતાં ટિકિટ ન કપાઈ, તો મારી કેમ?" - શૈલેષ જાનીનો પ્રદેશ પ્રમુખને સણસણતો સવાલ

  • જગદીશ વિશ્વકર્મા સામે અસંતોષીઓનો આક્રોશ – ટિકિટ માટે હવે કયા નેતાના પગ પકડવા?
  • માધવ દવેના ઘરે ભાજપની 'ખાનગી' બેઠકમાં હોબાળો, કાર્યકરોએ પ્રદેશ પ્રમુખને ભીંસમાં લીધા
  • "આપ" ના કાર્યક્રમમાં બેસનારને ટિકિટ કેમ? – શૈલેષ ડાંગરે ફોટા બતાવતા સ્થાનિક આગેવાનો ભોંઠા પડ્યા

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદનો જ્વાળામુખી ફાટ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જ અસંતોષી નેતાઓએ શિસ્તના લીરેલીરા ઉડાવતા તીખા સવાલોનો મારો ચલાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના નિવાસસ્થાને મળેલી ખાનગી બેઠકમાં ટિકિટ વંચિત 14 જેટલા દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખને ભીંસમાં લીધા હતા. સૌથી વધુ ચર્ચા શૈલેષ જાનીના સવાલની થઈ રહી છે, જેમણે પરસોત્તમ રૂપાલાની ટિકિટનો દાખલો આપી પક્ષની નીતિ પર પ્રહાર કર્યા હતા.

શૈલેષ જાનીએ રોષ સાથે જણાવ્યું હતું કે, "સાંસદ પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ હોવા છતાં પક્ષે તેમની ટિકિટ યથાવત રાખી, તો પછી મારી જેવી નિર્વિવાદ છબી ધરાવતા શિક્ષકની ટિકિટ કેમ કાપી નાખવામાં આવી? મેં અત્યાર સુધી 50 હજાર વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, જેઓ આજે પણ મારા સંપર્કમાં છે." આ દરમિયાન વોર્ડ નં. 9-10 ના કાર્યકર હરેશ કાનાણી પણ ભાવુક થઈ ગયા હતા અને ટિકિટ મેળવવા માટે હવે કયા નેતાના પગ પકડવા તેવો આકરો સવાલ કર્યો હતો.

બેઠકમાં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીએ પક્ષના સંગઠન પર સવાલો ઉઠાવતા કહ્યું કે, 15 વર્ષથી સક્રિય કાર્યકરોને પડતા મૂકીને 15 વર્ષથી ઘરે બેઠેલા નિષ્ક્રિય પંકજ લુણાગરિયાને કયા આધારે ટિકિટ આપવામાં આવી છે? વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે શૈલેષ ડાંગરે મોબાઈલમાં ફોટા બતાવીને એવો ધડાકો કર્યો કે ભાજપે જે મોહિતસિંહ જાડેજાને ટિકિટ આપી છે, તેઓ અગાઉ આમ આદમી પાર્ટીની સભાઓમાં હાજરી આપતા હતા. આ પુરાવા જોઈને પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક આગેવાનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

બીજી તરફ, પૂર્વ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પણ પોતાની ટિકિટ કાપવા પાછળનું સાચું કારણ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. હેમુ પરમારના ટેકેદારોએ પણ રાત્રે હલ્લો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોટાભાગે મૌન સેવી અથવા ગોળ-ગોળ જવાબો આપીને મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ ભાજપનો આ ઉકળતો ચરૂ આગામી ચૂંટણીના પરિણામો પર કેવી અસર કરશે તે હવે જોવાનું રહેશે.