Loading Please Wait !!!
રાજકોટની આંગણવાડીઓમાં કુપોષણનો વ્યાપ ચિંતાજનક સ્તરે!

 

  • માત્ર 3 મહિનામાં 784 અતિ ગંભીર કુપોષિત બાળકો મળ્યા!

  • 84 દિવ્યાંગ બાળકો પણ અતિ ગંભીર કુપોષણનો શિકાર!

  • મનપાના સર્વેમાં 10,306 બાળકોમાં પોષણનો અભાવ ખુલાસો!

સિટી ન્યુઝ @ રાજકોટ 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 364 આંગણવાડીઓમાં કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો ખુલાસો થયો છે. મનપાના આઇસીડીએસ વિભાગ દ્વારા જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણેય મહિના દરમિયાન હાથ ધરેલા સર્વેમાં 784 અતિ ગંભીર કુપોષિત બાળકો મળી આવ્યા છે, જેમાં 84 દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે.

શહેરના સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ત્રણેય ઝોનમાં કરવામાં આવેલા આ સર્વે મુજબ, માત્ર અતિ ગંભીર કુપોષણ જ નહીં પરંતુ 4,314 મધ્યમ તીવ્ર કુપોષિત બાળકો અને 1,977 જેટલા ઓછું વજન ધરાવતા બાળકો મળીને કુલ 10,306 બાળકોમાં પોષણનો અભાવ હોવાનું સામે આવ્યું છે. મેડિકલ નિષ્ણાતો દ્વારા આ તમામ બાળકોને તુરંત તબીબી સારવાર આપવાની ભલામણ કરવામાં આવી છે.

ઝોનવાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો, ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 325 બાળકો અતિ ગંભીર કુપોષિત શ્રેણીમાં નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 261 અને જુલાઈમાં 198 રહ્યો હતો. આ બાળકોના શારીરિક વિકાસ, ઠીંગણાપણા અને અપૂરતા પોષણના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચકાસણી કરાઈ છે.

સરકાર દ્વારા બાળકોનું કુપોષણ દૂર કરવા અને પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે વિવિધ દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ રાજકોટની આંગણવાડીઓમાંથી આટલી મોટી સંખ્યામાં કુપોષિત બાળકો મળી આવવાથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

હાલ આઇસીડીએસ વિભાગ દ્વારા બાળકોના માતા-પિતાને માર્ગદર્શન આપીને અને પોષણક્ષમ આહારની જાણકારી પૂરી પાડીને બાળકોને આ કુપોષણની અવસ્થામાંથી બહાર લાવવા માટે સઘન પ્રયાસો અને વિશેષ આયોજનો શરૂ કરવામાં આવ્યા છે.

બાળકોનું સ્વાસ્થ્ય અને કુપોષણ: વિકાસના દાવાઓ સામે કડવી વાસ્તવિકતા

કોઈપણ રાષ્ટ્ર કે શહેરનું ભવિષ્ય તેના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પર નિર્ભર હોય છે. રાજકોટ જેવા વિકસિત શહેરમાં જો આંગણવાડીઓ દ્વારા કરાયેલા સર્વેમાં સેંકડો બાળકો અતિ ગંભીર કુપોષણનો શિકાર બનતા હોય, તો તે આપણા સામાજિક કલ્યાણ અને આરોગ્ય માળખા માટે ગંભીર આત્મચિંતનનો વિષય છે. માત્ર સરકારી યોજનાઓના કાગળ પરના આંકડાઓથી ઉપર ઉઠીને, તૃણમૂળ સ્તરે પૌષ્ટિક આહાર અને સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવી એ સમયની સૌથી મોટી માંગ છે.