Loading Please Wait !!!
ગુજરાતની સરકારી સ્કૂલોમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ!

 

  • સ્કૂલમાં પ્રવેશવા માટે આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી જરૂરી!

  • મંજૂરી વિના ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને રીલ્સ બનાવવા પર રોક!

  • વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને નિર્ણય!

સિટી ન્યુઝ @ ગાંધીનગર 

ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, સલામતી અને ગોપનીયતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા બાહ્ય તેમજ બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અંગેની એક કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હવેથી સ્કૂલ પરિસરમાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, વાલીઓ અને અધિકૃત શૈક્ષણિક અધિકારીઓ સિવાયના તમામ બાહ્ય મુલાકાતીઓએ સ્કૂલમાં પ્રવેશતા પહેલાં રજિસ્ટરમાં વિગતો નોંધાવવી પડશે. મંજૂરી વગર ક્લાસરૂમ, પ્રયોગશાળા, પુસ્તકાલય, હોસ્ટેલ કે શૌચાલય જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સ્કૂલ સમય દરમિયાન કે કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મંજૂરી વિના ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ, લાઇવ સ્ટ્રીમિંગ કે સોશિયલ મીડિયા માટે રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવા પર પણ કડક નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પોક્સો એક્ટ, બાળ સંરક્ષણ કાયદા અને આઈટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઈ છે.

આ માર્ગદર્શિકા સામે આવ્યા બાદ સરકારી શાળાઓમાં યોજાતા રાજકીય અને સરકારી કાર્યક્રમોમાં આવતા નેતાઓ તથા બહારના મહેમાનો માટે આ નિયમો કેવી રીતે લાગુ થશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. તાજેતરમાં દાહોદમાં બનેલી ઘટના બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સરકાર દ્વારા આ અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

અગાઉ રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા પણ સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા જ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, અને હવે ગુજરાતે પણ આ દિશામાં કડક પાયાની નીતિ અપનાવી છે.

બાળકોની સુરક્ષા અને ગોપનીયતા: સ્કૂલોમાં કડક શિસ્ત સમયની માંગ

શાળા એ માત્ર શિક્ષણ મેળવવાનું સ્થાન નથી, પરંતુ તે બાળકો માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન પણ છે. આજકાલ સોશિયલ મીડિયા અને રીલ્સના ક્રેઝમાં ઘણીવાર શૈક્ષણિક સંસ્થાઓની પવિત્રતા અને બાળકોની ગોપનીયતા જોખમાતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલો આ કડક નિર્ણય માત્ર અનધિકૃત પ્રવેશને રોકવા પૂરતો સીમિત નથી, પરંતુ તે પ્રત્યેક બાળકના મૂળભૂત અધિકારો અને સુરક્ષાની રક્ષા કરવા માટે એક આવશ્યક અને પ્રશંસનીય પગલું છે.