Loading Please Wait !!!
રાજકોટ જિલ્લામાં ચોમાસા પૂર્વે 27 ડેમ કેનાલોની મરામતનું કામ શરૂ

  • જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ સિંચાઈ વિભાગની પ્રિ-મોન્સૂન પ્રીપેર્ડનેસ પૂરજોશમાં : હોનારત ઘટાડવા એક્શન પ્લાન 

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન' અંતર્ગત પ્રિ-મોન્સૂન પ્રીપેર્ડનેસની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ સિંચાઈ વિભાગે જિલ્લાના વિવિધ જળાશયો અને કેનાલોની જાળવણી અને મરામતની કામગીરી વેગવાન બનાવી છે. આ આગોતરી તૈયારીઓનો હેતુ ચોમાસા દરમિયાન સંભવિત હોનારતો કે અનિચ્છનીય ઘટનાઓ નિવારવાનો અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે જોવાનો છે.

તાજેતરમાં કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સૂન પ્રીપેર્ડનેસ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર આકાશ પટેલ સહિતના અધિકારીઓને આવશ્યક આદેશો આપવામાં આવ્યા છે, જેમાં જિલ્લાના તમામ ડેમ અને કેનાલોની ટેકનિકલ ચકાસણી કરવા અને જળાશયોની મજબૂતીની જવાબદારીપૂર્વક તપાસ કરવા જણાવાયું છે. ખાસ કરીને જે ડેમોમાં સમારકામની જરૂર હોય ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. તેમજ ચોમાસા દરમિયાન ડેમની સપાટીની ચોક્કસ વિગતો નિયમિતપણે જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમને મોકલવા માટેનું માળખું પણ તૈયાર કરવામાં આવ્યંક છે.

  • તમામ ડેમ સાઈટ પર ટેલીફોન-વાયરલેસ સેટ  કાર્યરત કરાશે 
    પૂર જેવી કટોકટીની સ્થિતિમાં જાન-માલનું નુકસાન અટકાવવા માટે 'ફ્લડ મેમોરેન્ડમ'ની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તમામ ડેમ સાઇટ પર ટેલિફોન અને વાયરલેસ સેટ જેવા સંદેશા વ્યવહારના સાધનો સતત કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. નદીના પટમાં રહેલા અવરોધો દૂર કરવા, અસરગ્રસ્ત થઈ શકે તેવા ગામોની યાદી ચકાસવી અને ડેમ ઓવરફ્લો થાય ત્યારે સમયસર જાણ કરવાની પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા તંત્ર કટિબદ્ધ છે.