Loading Please Wait !!!
હાઇવે પર ટોલ ટેક્સ માટે નહીં રોકાવું પડે

 

  • ગુજરાતના સુરત-ભરૂચ સેક્શન પર સફળ ટ્રાયલ કરાઈ

  • બેલેન્સ ન હોવા પર બમણો દંડ વસૂલાશે

  • એજન્સી દ્વારા ઇ-નોટિસ મોકલવાની જોગવાઈ કરાઈ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરનાર વાહનચાલકો માટે એક અત્યંત રાહતજનક અને ક્રાંતિકારી પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. હાલની વ્યવસ્થામાં ફાસ્ટેગ હોવા છતાં વાહનોએ ટોલ પ્લાઝા પર પોતાની સ્પીડ ધીમી કરવી પડે છે કે બેરિયર પાસે થોભવું પડે છે, પરંતુ નવી બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ (MLFF) લાગુ થયા પછી વાહનોએ ટોલ નાકા પર જરાય રોકાવાની કે સ્પીડ ઘટાડવાની જરૂર નહીં રહે.

આ અદ્યતન સિસ્ટમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા, AI એનાલિટિક્સ અને ફાસ્ટેગના અદ્ભુત સમન્વયથી કામ કરશે. જ્યારે પણ કોઈ વાહન આ સિસ્ટમ હેઠળના નિર્ધારિત પોઇન્ટમાંથી પસાર થશે, ત્યારે હાઇ-સ્પીડ કેમેરા તેની નંબર પ્લેટ અને ફાસ્ટેગ રીડ કરી લેશે અને નિર્ધારિત ટોલ ટેક્સ વાહનચાલકના ખાતામાંથી બારોબાર કપાઈને મોબાઈલ પર મેસેજ આવી જશે.

વાહનચાલકોએ ખાસ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેમના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ હોય, કેમ કે બેલેન્સ ન હોવાની સ્થિતિમાં ઇ-નોટિસ મોકલવામાં આવશે અને જો 72 કલાકની અંદર ટેક્સ નહીં ભરાય તો બમણો દંડ વસૂલવામાં આવશે. આ ટેકનોલોજીનું સફળ ટ્રાયલ અગાઉ ગુજરાતમાં સુરત-ભરૂચ સેક્શન પર આવેલા ચોરાસી ટોલ પ્લાઝા પર સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

આ નવી ટેકનોલોજીથી સમય અને બળતણ બંનેની મોટા પ્રમાણમાં બચત થશે, કારણ કે હાલ એક વાહનની પ્રોસેસમાં ઓછામાં ઓછી 20 સેકન્ડ લાગે છે જ્યારે નવી પદ્ધતિથી વાહનો 80-85 કિમીની સામાન્ય સ્પીડે પસાર થઈ શકશે. સરકારના અંદાજ મુજબ આનાથી દર વર્ષે કરોડો લિટર ફ્યુઅલ બચશે અને પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, સરકારનો મુખ્ય લક્ષ્યાંક માર્ચ 2027 સુધીમાં દેશના નેશનલ હાઇવે પરના મોટાભાગના ટોલ બૂથને બેરિયર-ફ્રી કરવાનો છે. આ સિસ્ટમ પૂર્ણપણે સક્રિય થતાં જ ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે અને હાઇવે પરની મુસાફરી અત્યંત સરળ તથા આરામદાયક બની જશે.

હાઇવે પર આધુનિક ટેકનોલોજી અને પરિવહન ક્રાંતિ

દેશના માર્ગ પરિવહન ક્ષેત્રે આવી રહી રહેલી આધુનિક ટેકનોલોજીઓ નાગરિકોનો કિંમતી સમય બચાવવાની સાથે અર્થતંત્રને પણ વેગ આપે છે. પારદર્શક અને ઝડપી વ્યવહારોથી ભ્રષ્ટાચાર અને અસુવિધા બંને ઘટે છે, જે પ્રગતિશીલ રાષ્ટ્રની સાચી ઓળખ છે.