Loading Please Wait !!!
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનની વધુ એક વખત બેઈજ્જતી

 

  • ન્યુયોર્કમાં રાષ્ટ્રસંઘની બેઠક દરમિયાન બની ઘટના

  • અફઘાન પરત નહીં જવાની વિચિત્ર સલાહ આપી

  • ધમકી આપ્યા બાદ મંત્રી જાહેરમાં જોરથી હસ્યા

સિટી ન્યુઝ @ ન્યુયોર્ક 

સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં પાકિસ્તાનની અવારનવાર થતી બેઈજ્જતીની હરોળમાં વધુ એક શરમજનક પ્રકરણ ઉમેરાયું છે, જેમાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ પોતાના અત્યંત વિવાદાસ્પદ નિવેદનો અને ધમકીભર્યા ઈશારાના કારણે વિશ્વભરમાં વિવાદોના ઘેરાવામાં આવી ગયા છે. ન્યુયોર્કમાં રાષ્ટ્રસંઘની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા આ પાકિસ્તાની મંત્રીનું અસભ્ય વર્તન ચર્ચાનો વિષય બન્યું છે.

ઘટનાની વિગત મુજબ, ન્યુયોર્કમાં એક અફઘાન મહિલા પત્રકારે ખ્વાજા આસિફને પાકિસ્તાન સરકાર અને અફઘાનની તાલિબાન સરકાર વચ્ચેના સંબંધો અંગે સવાલ પૂછ્યો હતો. મહિલા પત્રકારે તાલિબાન દ્વારા મહિલાઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર વિશે પ્રશ્ન કરતા પૂછ્યું હતું કે પાક સરકાર શા માટે પોતાના તાલિબાની મિત્રોને સલાહ આપતી નથી અથવા તેમની નીતિઓને પડકારતી નથી અને તેમને શું સંદેશ આપવા માંગો છો?

આ સીધા અને સચોટ સવાલનો જવાબ આપવાને બદલે પાકિસ્તાની મંત્રીએ આપાતજનક વર્તન દાખવતા પત્રકારને અફઘાન પરત ન જવાની સલાહ આપી અને હાથથી ગળા પાસે ઈશારો કરીને 'તન સે સર જુદા' એટલે કે માથું વાઢી નાખવાની અત્યંત ધમકીભરી ચેષ્ટા કરી હતી. મહિલા પત્રકાર પોતાના દેશમાં પરત જશે તો તેની હત્યા કરાશે તેવી ખુલ્લી ચેતવણી આપ્યા બાદ આ મંત્રી સૌની સામે જોઈને જોરથી હસ્યા પણ હતા, જે તેમની માનસિકતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને અફઘાન સરકાર વચ્ચે લાંબા સમયથી લશ્કરી અથડામણો ચાલી રહી છે, અને પાકિસ્તાનમાં ફેલાતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે તાલિબાનનું એક જૂથ જવાબદાર હોવાનું પાક સરકાર માને છે, જેને લઈને અવારનવાર બંને દેશો એકબીજાના ક્ષેત્રોમાં હવાઈ હુમલા પણ કરતા રહે છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર બેઠેલા દેશના જવાબદાર મંત્રી દ્વારા એક મહિલા પત્રકાર સાથે આ પ્રકારે ધમકીભર્યું અને મસ્તીભર્યું વર્તન કરવું એ રાજદ્વારી મર્યાદાઓનું ઉલ્લંઘન છે. આવા કૃત્યો વૈશ્વિક સ્તરે પાકિસ્તાનના અસલી ચહેરા અને મહિલા સુરક્ષા પ્રત્યેની તેમની નકારાત્મક માનસિકતાને જગજાહેર કરતા રહે છે.

આંતરરાષ્ટ્રીય મંચો અને રાજદ્વારી મર્યાદાઓ

વૈશ્વિક મંચો પર દેશનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ પાસેથી સંયમ, સન્માન અને જવાબદારીપૂર્વકના વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે મંત્રીઓ જ ધમકીઓ આપવા પર ઉતરી આવે ત્યારે લોકશાહી અને માનવાધિકારના મૂલ્યો જોખમમાં મુકાય છે, જે વિશ્વ સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય છે.