મુંબઈ પોલીસે પ્રદર્શનની મંજૂરી આપવાનો કર્યો ઇનકાર
-
અભિજિત દિપકેએ પોલીસના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો
-
બે ઓક્ટોબરના રોજ ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત
-
સુરક્ષા અને કાયદો વ્યવસ્થાનું કારણ ધરી નોટિસ
સિટી ન્યુઝ @ મુંબઈ
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા રવિવારે એવું એલાન કરવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસે આગામી 2 ઓક્ટોબરના રોજ યોજાનાર વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ મામલે પાર્ટીના સંસ્થાપક અભિજિત દિપકેએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો પ્રદર્શનની મંજૂરી નહીં મળે, તો પાર્ટી ગાંધી જયંતિના પવિત્ર દિવસે મુંબઈમાં ઉગ્ર ‘જેલ ભરો આંદોલન’ કરશે.
પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે મતદાનનો અધિકાર છીનવી લીધા બાદ હવે નાગરિકોના શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર પણ છીનવાઈ રહ્યો છે. પોલીસનો આ નિર્ણય જનતાનો અવાજ દબાવવાની કોશિશ સમાન હોવાનું જણાવીને CJP એ પોતાના વલણ પર અક્મ રહેવાની ચીમકી ઉચ્ચારી છે.
અગાઉ કોકરોચ જનતા પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે જો ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે, તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત મુંબઈથી થવાની હતી. આ વિરોધ પ્રદર્શન ચૂંટણી પંચની કાર્યશૈલી અને તેના દ્વારા લેવાયેલા નિર્ણયો સામે સવાલો ઉઠાવવા માટે યોજાવાનું હતું.
બીજી બાજુ, મુંબઈ પોલીસે હાઈકોર્ટના આદેશો અને સરકારી નિયમોને ટાંકીને સ્પષ્ટ કર્યું છે કે શિવાજી પાર્ક ખાતે કોઈપણ પ્રકારની સભા કે પ્રદર્શન યોજવાની મંજૂરી આપવાનો અધિકાર તેમની પાસે નથી. પોલીસ દ્વારા અરજદારને નોટિસ પાઠવીને મુંબઈ શહેરમાં પ્રદર્શન માટે અન્ય કોઈ યોગ્ય જગ્યાની તલાશ કરી ત્યાં મંજૂરી માટે નવો પ્રસ્તાવ મૂકવા સૂચન કરવામાં આવ્યું છે.
શાંતિપૂર્ણ પ્રદર્શન અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી વચ્ચેના આ ઘર્ષણમાં લોકશાહીના મૂલ્યો અને નાગરિક અધિકારોની જાળવણી કેવી રીતે કરવી તે એક મોટો સવાલ બની રહ્યો છે. તંત્ર અને રાજકીય પક્ષો વચ્ચેના આ ટકરાવથી આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ તીવ્ર બને તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.
લોકશાહીમાં વિરોધ પ્રદર્શન અને કાયદાનું પાલન
લોકશાહી વ્યવસ્થામાં સરકાર કે સંસ્થાઓ સામે અસંતોષ વ્યક્ત કરવાનો દરેક નાગરિકને હક છે, પરંતુ આ પ્રક્રિયા હંમેશાં બંધારણીય મર્યાદાઓમાં અને કાયદાકીય નિયમોના પાલન સાથે થવી જોઈએ. વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે યોગ્ય સંવાદથી જ સામાજિક શાંતિ અને વ્યવસ્થા અકબંધ રાખી શકાય છે.