અમદાવાદમાં ગરીબ કલ્યાણ પાર્ટીનું મોટું કૌભાંડ
-
આવકવેરા વિભાગ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરાયો
-
કલમ 80GGC નો દુરુપયોગ કરીને ટેક્સ મુક્તિ
-
સરકારી તિજોરીને 62 કરોડનું નુકસાન પહોંચાડ્યું
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદમાં કાગળ પર ચાલતા રજિસ્ટર્ડ અપ્રમાણિત રાજકીય પક્ષો (RUPP) દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી અને ભ્રષ્ટાચારનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. અગાઉ નરોડા સ્થિત અન્ય પક્ષના કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ બહાર આવતા, આવકવેરા વિભાગે ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ ના હોદ્દેદારો, શેલ કંપનીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કડક સકંજો કસ્યો છે.
આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ આરોપીઓએ નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 દરમિયાન સુવ્યવસ્થિત ષડયંત્ર રચીને આશરે ₹204.76 કરોડના બોગસ રાજકીય ડોનેશન, એકમો અને કેશબેકનું રેકેટ ચલાવ્યું હતું. આ પક્ષ માર્ચ 2022 માં ચૂંટણી પંચમાં નોંધાયો હતો પરંતુ તેની આડમાં માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જ ચાલતી હતી.
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એવી હતી કે પક્ષના બેંક ખાતાનો ઉપયોગ મોટા કરદાતાઓ પાસેથી દાન સ્વીકારવા માટે થતો હતો અને દાન આપનાર વ્યક્તિઓને આવકવેરા અધિનિયમની કલમ 80GGC હેઠળ 100% ટેક્સ મુક્તિનો લાભ અપાવવામાં આવતો હતો. ત્યારબાદ આ રકમ કૃષ્ણા એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ જેવી શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરીને ખોટા બિલ બનાવીને નાણાં ઉપાડી લેવામાં આવતા હતા.
આ સમગ્ર ગોલમાલ દ્વારા સરકારી તિજોરીને આશરે ₹62 કરોડનું સીધું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પ્રકરણમાં ગરીબ કલ્યાણ પાર્ટીના પ્રમુખ નીરજકુમાર ક્ષત્રિય, સચિવ ધનંજય સિંહ રાજપૂત, કોષાધ્યક્ષ ધીરજકુમાર ક્ષત્રિય તેમજ વિવિધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંડોવણી સત્તાવાર રીતે બહાર આવી છે, જેમણે પક્ષનો ઉપયોગ માત્ર બોગસ એન્ટ્રીઓ આપીને કમિશન કમાવવા માટે કર્યો હતો.
રાજકીય પક્ષોની પવિત્રતા અને કાયદાકીય જોગવાઈઓનો દુરુપયોગ કરીને આચરવામાં આવતા આવા આર્થિક અપરાધો દેશની નાણાકીય વ્યવસ્થા માટે જોખમી છે. આવકવેરા વિભાગ અને તપાસ એજન્સીઓ દ્વારા આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય બેંક ખાતાઓ અને દાન આપનારાઓની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જેથી તમામ દોષિતો કાયદાના શિંકજામાં આવી શકે.
રાજકીય પક્ષો અને નાણાકીય પારદર્શિતા
લોકશાહીમાં રાજકીય પક્ષો જનતાના વિશ્વાસ અને પારદર્શિતાના પ્રતિક હોવા જોઈએ. જ્યારે કેટલાક લોકો કાળું નાણું ધોળું કરવા માટે આવા પક્ષોનો દુરુપયોગ કરે છે, ત્યારે કાયદાકીય એજન્સીઓએ કડક કાર્યવાહી કરીને સિસ્ટમની શુદ્ધતા જાળવવી અનિવાર્ય બને છે.