અમેરિકામાં નોકરી કરતા ભારતીયોની ચિંતા વધી ગઈ
-
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મોટી તૈયારીઓ શરૂ કરાઈ
-
એન્થની ડી'એસ્પોસિટે પોડકાસ્ટમાં ગંભીર ચેતવણી આપી
-
આઈટી પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકામાં નોકરી કરવાનું સ્વપ્ન સેવતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કુશળ યુવાનો માટે વધુ એક વખત ચિંતા અને ચર્ચાનો વિષય બને તેવા ગંભીર સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અમેરિકાનું વહીવટીતંત્ર એચ-વનબી (H-1B) વિઝા નીતિને લઈને ખૂબ જ મોટી અને કડક તૈયારીઓ કરી રહ્યું છે, જેના અંતર્ગત આગામી દિવસોમાં આ વિઝા પ્રક્રિયાના નિયમો અત્યંત સખત બનાવવામાં આવી શકે છે.
એટલું જ નહીં, વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં એવી ચર્ચાઓ પણ વેગ પકડી રહી છે કે એચ-વનબી વિઝા વ્યવસ્થાને ભવિષ્યમાં કાયમ માટે ખતમ પણ કરી દેવામાં આવી શકે છે. અમેરિકી સરકારે આ મામલે ભારતીય અને વિદેશી કર્મચારીઓ તથા કંપનીઓને હથકડી સમાન કડક ચેતવણી આપી છે, જેનાથી વૈશ્વિક સ્તરે એવિએશન અને ટેકનોલોજી સેક્ટરમાં હલચલ મચી ગઈ છે.
અમેરિકી શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી'એસ્પોસિટે તાજેતરમાં જ એક પોડકાસ્ટ દરમિયાન આ અંગે સ્પષ્ટ સંકેતો આપતા ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 365 દિવસોની અંદર એચ-વનબી વિઝા વ્યવસ્થાનું આખું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ જશે અને વિઝા પ્રક્રિયામાં છેતરપિંડી કે ગેરરીતિ આચરતા એમ્પ્લોયર્સ (માલિકો) સામે ખૂબ જ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકા દ્વારા લેવાનાર આ સંભવિત પગલાંઓની સૌથી મોટી અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડે તેવી પૂરી શક્યતા છે, કારણ કે દર વર્ષે હજારો ભારતીયો આ વિઝાના માધ્યમથી યુએસમાં રોજગારી મેળવતા હોય છે. નિયમોની કડકાઈ અને વિઝા રદ થવાની તલવાર લટકતી હોવાથી મોટી કંપનીઓ અને કર્મચારીઓમાં અનિશ્ચિતતાનો માહોલ છવાયો છે.
વૈશ્વિક સ્તરે ટેલેન્ટ એક્સચેન્જ અને ઇમિગ્રેશન નીતિઓમાં આવતા આ પ્રકારના બદલાવો દેશ-વિદેશના યુવાનોના કરિયરને સીધી અસર કરતા હોય છે. અમેરિકાની આ નવી નીતિઓ ભારતીય આઈટી ઉદ્યોગ અને પ્રોફેશનલ્સ માટે આગામી સમયમાં એક નવો પડકાર બનીને ઉભરી રહી છે, જેના પર સૌની નજર ટકેલી છે.
વિઝા નીતિઓ અને વૈશ્વિક શ્રમ બજાર
વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન અને વિઝા નિયમોમાં થતા કડક ફેરફારો કુશળ વ્યાવસાયિકોના ભવિષ્યને પ્રભાવિત કરતા હોય છે. દેશોએ સ્થાનિક રોજગારી વધારવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભાઓના આદાનપ્રદાન માટે સંતુલિત અને પારદર્શક અભિગમ અપનાવવો અનિવાર્ય છે જેથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન ન પહોંચે.
♦ ભારતીય ટેક પ્રોફેશનલ્સને ઝટકો
H-1B વિઝા પ્રોગ્રામ પર કોઈ પણ પ્રકારની આંચ આવવાની સીધી અસર ભારતીય નાગરિકો પર પડે છે. અમેરિકી આઈટી કંપનીઓ, ટેક સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરતાં કુલ H-1B વિઝા ધારકોમાં 70 ટકાથી વધુ હિસ્સેદારી એકલાં ભારતીય પ્રોફેશનલ્સની હોય છે.
જો અમેરિકા આ પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરી દે છે તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, અમેરિકામાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોનાં કરિયરને ખૂબ મોટો આંચકો લાગશે. તો બીજી તરફ પહેલેથી જ અમેરિકામાં મોજૂદ ભારતીયો માટે વિઝા રિન્યુઅલ અને ગ્રીન કાર્ડના માર્ગમાં નવા વિઘ્નો ઊભા થઈ શકે છે.
♦ 365 દિવસમાં બદલાઈ જશે આખો નિયમ
અમેરિકી કમેન્ટેટર અને યુટ્યુબર બેની જોહ્નસનને આપેલાં એક ઈન્ટરવ્યુમાં ઈન્સ્પેક્ટર જનરલ એન્થની ડી'એસ્પોસિટે અમેરિકાની રણનીતિ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે તપાસ અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વિઝાના નામે ધાંધલી અને શેલ કંપનીઓ દ્વારા ફ્રોડ કરવામાં સામેલ લોકો સામે ગુનાહિત કેસ દાખલ કરીને ધરપકડ કરવાની તૈયારી છે.
ડી'એસ્પોસિટે કહ્યું, "મને લાગે છે કે વિદેશી શ્રમ વિઝા પ્રોગ્રામ આજથી 365 દિવસની અંદર સંપૂર્ણપણે અલગ નજરે પડશે." તેમણે જણાવ્યું કે અમેરિકી સરકાર H-1B વિઝા પ્રોગ્રામ સાથે જોડાયેલી છેતરપિંડી, કર્મચારીઓના શોષણ અને માનવ તસ્કરી જેવા ગંભીર આરોપોની તપાસ કરી રહી છે.
♦ દિગ્ગજ કંપનીઓ નિશાના પર
તપાસ એજન્સીઓએ વિદેશી કર્મચારીઓની ભરતીમાં ગડબડ કરનારી દિગ્ગજ કંપનીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પહેલાં ગુનાહિત તપાસનાં કારણે ટેક ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ કોગ્નિઝન્ટ અને ક્રાઉડેરા સાથે જોડાયેલી H-1B વિઝા અરજીઓને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અમેરિકી શ્રમ વિભાગના જણાવ્યાં અનુસાર, તપાસ અધિકારીઓએ ડઝનબંધ સમન્સ જારી કર્યા છે અને અનેક જગ્યાઓ પર સર્ચ વોરંટ જારી કરીને દરોડા પાડ્યાં છે.
♦ શું છે પ્રોજેક્ટ ફાયરવોલ?
અમેરિકામાં વિદેશી પ્રોફેશનલ્સના બદલે અમેરિકી નાગરિકોની નોકરીઓને પ્રાથમિકતા આપવા માટે અનેક નવા નિયમો લાગું કરવામાં આવી રહ્યાં છે. સપ્ટેમ્બર 2025માં અમેરિકી સરકાર પ્રોજેક્ટ ફાયરવોલ લઈને આવી હતી.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈલી સ્કિલ્ડ અમેરિકી કર્મચારીઓના વેતન, અધિકારો અને નોકરીની તકોનું રક્ષણ કરવાનો છે, જેથી એમ્પ્લોયર્સ વિદેશી કર્મચારીઓને પ્રાથમિકતા આપવાનાં બદલે પહેલાં યોગ્ય અમેરિકનોને કામ પર રાખે.
આ ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્રે શ્રમ, હોમલેન્ડ સિક્યુરિટી અને વિદેશ વિભાગને નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ કંપનીની H-1B અરજીની સમીક્ષા કરતી વખતે એ જરૂર ચકાસવામાં આવે કે તે કંપનીએ તાજેતરમાં જ એ જ પદ પર કામ કરી રહેલાં અમેરિકી કર્મચારીઓની છટણી તો નથી કરી ને. આ સાથે જ અમેરિકાએ H-1B વિઝા શ્રેણી હેઠળ કેટલાક વિશેષ વિઝા ધારકોના અમેરિકામાં પ્રવેશવા પર મૂકેલા પ્રતિબંધને 21 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવી દીધો છે.
♦ શું છે H-1B વિઝા અને એનો કોટા?
H-1B વિઝા એક નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જેના દ્વારા અમેરિકી કંપનીઓ આઈટી અને અન્ય ટેકનિકલ ક્ષેત્રોમાં નિષ્ણાતો ધરાવતાં વિદેશી કુશળ કર્મચારીઓને પોતાનાં ત્યાં નોકરી આપે છે. અમેરિકી કાયદા હેઠળ દરેક નાણાકીય વર્ષમાં માત્ર 65,000 નવા H-1B વિઝા જારી કરવામાં આવે છે.
તો બીજી તરફ અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી માસ્ટર્સ કે પીએચડીની ડિગ્રી મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ માટે 20,000 વધારાનો કોટા નક્કી થયેલો હોય છે.