અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષ દ્વારા કરોડોની ચોરી
-
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના નામે આચરવામાં આવી ઠગાઈ
-
સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ગુનો દાખલ કરાયો
-
155 કરોડની કરચોરી આચરવાના ષડયંત્રનો પર્દાફાશ
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના નરોડા રોડ પર માત્ર કાગળ પર જ રજિસ્ટર્ડ થયેલી એક અપ્રમાણિત રાજકીય પાર્ટી ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ ઊભી કરીને રૂપિયા 519 કરોડના બોગસ ડોનેશન મેળવવામાં આવ્યા હોવાનું અને તેના દ્વારા રૂપિયા 155 કરોડની તોતિંગ કરચોરી આચરવામાં આવી હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આયકર વિભાગની સત્તાવાર ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
આયકર ભવનના અધિકારીની ફરિયાદ અનુસાર, આ પાર્ટીનું વાસ્તવિક દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નહોતું, પરંતુ માત્ર ટેક્સ ચોરી કરવા અને 8% થી 9% જેટલું કમિશન કમાવવાના હેતુથી જ આ સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયું હતું. આ કૌભાંડમાં સુરેન્દ્ર તિવારી, મેહુલ ખત્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર રાઠોડ જેવા આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેઓ આ સમગ્ર નેટવર્ક ચલાવતા હતા.
દસ્તાવેજી રેકોર્ડ મુજબ પક્ષનું સત્તાવાર સરનામું નરોડા રોડ પર સૈજપુર બોઘા વિસ્તારમાં મહાવીર નગર ખાતે દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ સરનામે પાર્ટીની કોઈ પણ પ્રકારની ઓફિસ, સ્ટાફ કે રાજકીય પ્રવૃત્તિ જોવા મળી નહોતી. આરોપીઓએ માત્ર કાગળ પર પાર્ટી ઊભી કરીને મોટા કરદાતાઓ પાસેથી બેંક દ્વારા દાન મેળવીને કરમુક્તિનો લાભ અપાવ્યો હતો.
આ નાણાં બાદમાં ‘જય ટ્રેડિંગ કંપની’ નામની શેલ પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યાંથી રોકડ રકમ ઉપાડીને કમિશન કાપીને બાકીની રકમ દાતાઓને કેશબેક સ્વરૂપે પરત આપી દેવામાં આવતી હતી. આ આખા ગોરખધંધાની ગંભીર નોંધ લઈને પીઆઈ કલ્પેશકુમાર પટેલ દ્વારા આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
દેશની નાણાકીય વ્યવસ્થા અને કર પ્રણાલી સાથે ચેડાં કરીને રાજકીય પક્ષોની આડમાં ચાલતા આ પ્રકારના કૌભા્ડો દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આવા ઠગ અને ભ્રષ્ટ તત્વો સામે કડકમાં કડક દાખલારૂપ કાનૂની પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.
રાજકીય પક્ષોની આડમાં ચાલતી નાણાકીય ગેરરીતિઓ
રાજકીય રજિસ્ટ્રેશન અને કર મુક્તિના નિયમોનો દુરુપયોગ કરીને કાળું નાણું ધોળું કરવાના કાવતરાં આચરણમાં મૂકતા ભેજાબાજો દેશના કાયદા અને લોકશાહીની મજાક ઉડાવતા હોય છે. તંત્ર દ્વારા આવા નકલી પક્ષો સામે સતત કડક મોનિટરિંગ અને ઓડિટ વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી પારદર્શિતા જળવાઈ રહે અને આર્થિક અપરાધો અટકી શકે.