Loading Please Wait !!!
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની આગાહી વચ્ચે રેલવેની ખાસ 'દોડધામ'

ગુજરાતના 4 શહેરોથી બંગાળ માટે રાતોરાત સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાતા અનેક તર્ક-વિતર્ક

વિજયોત્સવની તૈયારી કે કારીગરોની વાપસી? રેલવેના નિર્ણયથી રાજકીય ચર્ચા તેજ

રાજકોટ, ભુજ, અમદાવાદ અને વટવાથી હાવડા-કોલકાતા માટે વન-વે ટ્રેનો રવાના.

સિટી ન્યુઝ @ અમદાવાદ 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની જીતની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના ગણતરીના કલાકોમાં જ રેલવે તંત્ર દ્વારા ગુજરાતના વિવિધ શહેરોથી પશ્ચિમ બંગાળ માટે ચાર સ્પેશિયલ વન-વે ટ્રેનોની જાહેરાત કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના બહાને રાજકોટ, અમદાવાદ, ભુજ અને વટવા સ્ટેશનો પરથી હાવડા અને કોલકાતા માટે ટ્રેનોના શિડ્યુલ જાહેર કરવામાં આવ્યા છે.

રેલવેના આ નિર્ણય મુજબ, રાજકોટ અને ભુજ સ્ટેશનો પરથી ગુરુવારે સાંજે જ બે સ્પેશિયલ ટ્રેનો રવાના કરી દેવામાં આવી હતી. જ્યારે અમદાવાદ અને વટવા સ્ટેશનો પરથી શુક્રવારે, એટલે કે પહેલી મેના રોજ વધુ બે ટ્રેનો દોડાવવામાં આવશે. ચૂંટણીના પરિણામો જાહેર થવાને હજુ ચાર દિવસની વાર છે, તે પહેલા જ આ રીતે રાતોરાત લેવાયેલા નિર્ણયથી અનેક અટકળો વહેતી થઈ છે.

લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે એક્ઝિટ પોલ મુજબ બંગાળમાં ભાજપના સંભવિત વિજયોત્સવમાં મેદની ભેગી કરવા માટે આ તત્કાલ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે. બીજી તરફ, એવી પણ ધારણા છે કે જે બંગાળી કારીગરો મતદાન કરવા માટે વતન ગયા હતા, તેમને પરત લાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ટ્રેનોના સમય અને પરિણામોની આગાહી વચ્ચેના તાલમેલને કારણે આ બાબતને રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટ્રેનોનો મુદ્દો અગાઉ પણ વિવાદમાં રહ્યો છે. થોડા દિવસો પહેલા સુરત અને અન્ય શહેરોમાંથી હજારો બંગાળી કારીગરોને મતદાન માટે વતન મોકલવામાં આવ્યા હતા ત્યારે વિરોધ પક્ષોએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિપક્ષનો આરોપ હતો કે કારીગરોને મફત ટિકિટ અને ભોજન આપીને શાસક પક્ષ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

હાલમાં એક્ઝિટ પોલના આંકડા ભાજપની તરફેણમાં હોવાથી રેલવેની આ 'સ્પેશિયલ' દોડધામને લઈને ફરી એકવાર વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ રેલવે તેને મુસાફરોની સુવિધા ગણાવી રહ્યું છે, તો બીજી તરફ વિરોધ પક્ષો અને રાજકીય વિશ્લેષકો તેને ચૂંટણીલક્ષી રણનીતિનો એક ભાગ માની રહ્યા છે. આગામી દિવસોમાં પરિણામો જાહેર થયા બાદ આ ટ્રેનો પાછળનો સાચો ઉદ્દેશ્ય વધુ સ્પષ્ટ થશે.