Loading Please Wait !!!
RTE એડમિશનમાં મોટી રાહત: ફોર્મ ભરવાની મુદત 23 એપ્રિલ સુધી લંબાવાઈ, વાલીઓને મળ્યા વધુ 6 દિવસ

 

  • રાજકોટમાં 6062 બેઠકો સામે 20,333 ફોર્મનો રાફડો; આંગણવાડીના બાળકો પ્રાયોરિટીમાં પાછળ ધકેલાયા

  •  રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ અમાન્ય; ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે રાજકોટમાં ત્રણ ગણી અરજીઓ

  •  આંગણવાડીના બાળકોનો ક્રમ 9 થી ઘટીને 12 થયો; રાજકોટ જિલ્લામાં 20 હજારથી વધુ વાલીઓ મેદાનમાં

     

    રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટેના 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એડમિશન પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ હતી, જેને હવે લંબાવીને 23 એપ્રિલ 2026, ગુરુવાર રાત્રે 12:00 વાગ્યા સુધી કરવામાં આવી છે. આ નિર્ણયથી જે વાલીઓ દસ્તાવેજોના અભાવે ફોર્મ ભરી શક્યા નહોતા તેમને મોટી રાહત મળી છે.

    રાજકોટમાં અરજીઓનો ધસારો રાજકોટ શહેર અને જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાની કુલ 6062 સીટો સામે અત્યાર સુધીમાં 20,333 જેટલી ઓનલાઈન અરજીઓ આવી ચુકી છે. જે દર્શાવે છે કે સરકારી શાળાઓ કરતા ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવા માટે વાલીઓની લાંબી કતારો છે. રાજકોટ શહેરમાં 4043 સીટ સામે 12,051 અરજીઓ આવી છે, જેમાંથી 8951 મંજૂર થઈ છે, જ્યારે 1916 અરજીઓ ક્ષતિઓને કારણે કેન્સલ કરવામાં આવી છે.

    નિયમોમાં મોટા ફેરફાર અને પ્રાયોરિટીમાં ફેરબદલ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં બે મોટા ફેરફારો જોવા મળ્યા છે. પ્રથમ, રહેઠાણ કે ઓળખના પુરાવા તરીકે હવે રેશનકાર્ડ માન્ય ગણાશે નહીં, જેના માટે સરકારે ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. બીજું, સરકારી આંગણવાડીમાં ભણતા બાળકોને મળતી અગ્રતા (Priority) માં ઘટાડો થયો છે. ગત વર્ષે આ બાળકો 9મા ક્રમે હતા, જે હવે પાછળ ધકેલાઈને 12મા ક્રમે આવી ગયા છે.

    વિનામૂલ્યે સહાય અને વાલીઓનો પ્રતિસાદ રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના સેવાકીય કાર્યાલયો પર વાલીઓને વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવી રહ્યા છે. વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની પ્રતિષ્ઠિત શાળાઓ જેવી કે ધોળકિયા, ગુરુકુળ અને જી.ટી. શેઠમાં ભણાવવા માટે આતુર છે. વાલી કૃણાલ રાઠોડ અને ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારી યોજનાનો લાભ મળે તો મધ્યમ વર્ગના બાળકોને પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે 23 એપ્રિલ સુધીમાં અરજીઓનો આ આંકડો ક્યાં પહોંચે છે.