અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં ‘હિંસા’: સરસપુરમાં ભાજપના કાર્યકરને લોકોએ લાફા ઝીંક્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ
-
વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોથી જનતા લાલચોળ; અશોક મિલની ચાલીમાં ભાજપના 57 વર્ષીય કાર્યકર પર થયો હુમલો
-
અનિલ સ્ટાર્ચ મિલથી હાથીજણ સુધી વિરોધની જ્વાળા; રોડ, ગટર અને પાણીના પ્રશ્ને જનતાએ નેતાઓને ખખડાવ્યા
-
ભાજપ હોય કે આપ, મતદારોના અણીયારા સવાલો સામે ઉમેદવારો લાચાર; પ્રચાર છોડી ભાગવાની નોબત આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અને માત્ર ચૂંટણી ટાણે જ દેખાતા નેતાઓ સામે શહેરના અનેક વિસ્તારોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. સરસપુર વિસ્તારમાં તો સ્થિતિ એટલી હદે વણસી કે પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકરને લોકોએ લાફા ઝીંકી દીધા હતા.
સરસપુરમાં હિંસક વળાંક ઘટનાની વિગતો મુજબ, સરસપુરની અશોક મિલની નવી ચાલીમાં ઈન્ડિયા કોલોની વોર્ડના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ૫૭ વર્ષીય કાર્યકર ધીરજભાઈ રાઠોડ પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક રહીશ હસમુખ વોરાએ ‘અમારે ત્યાં પ્રચારમાં આવવાનું નથી’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈને ધીરજભાઈનો કોલર પકડી તેમને બે-ત્રણ લાફા ઝીંકી જમીન પર ધક્કો મારી દીધો હતો. આ મામલે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ચારેબાજુ વિરોધનો વંટોળ માત્ર સરસપુર જ નહીં, પરંતુ અનિલ સ્ટાર્ચ મિલ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને ગટર અને પાણીના પ્રશ્ને રહીશોએ ઘેરાવો કરી ‘ભાજપ હાય-હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. હાથીજણમાં મહિલાઓએ ઉમેદવારોને આકરી ભાષામાં ખરીખોટી સંભળાવી હતી. આ આક્રોશ માત્ર સત્તાધારી પક્ષ પૂરતો સીમિત નથી; દરિયાપુર અને શાહપુરમાં ‘આમ આદમી પાર્ટી’ ના નેતાઓને પણ લોકોએ મતદાર યાદીના પ્રશ્ને ખખડાવ્યા હતા, જ્યારે લાંભામાં અપક્ષ ઉમેદવારને લોકોએ ભગાડી મૂક્યા હતા. અનેક સોસાયટીઓએ રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લાદતા ઉમેદવારો માટે હવે મત માંગવા કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે.