Loading Please Wait !!!
GSRTC માં ‘ખાનગીકરણ’ નો ખેલ: 250 બસના ભાડાપેટે વર્ષે ₹156 કરોડ કંપનીઓની ઝોળીમાં, અઢી વર્ષના ભાડામાં નવી બસો ખરીદી શકાય!

 

  • PPP મોડલના નામે જનતાની પરિવહન સેવા ગીરવે? વધુ 1200 નવી બસો ભાડે લેવાના નિગમના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ

  •  કિલોમીટર દીઠ ₹63 સુધીનું ભાડું- 4000 કર્મચારીઓને આઉટસોર્સિંગથી લેવાની હિલચાલ; કર્મચારી સંગઠનોની આંદોલનની ચીમકી

  •  વલ્લભભાઈ વાઘાણીનો હુંકાર- "ખાનગીકરણ ચલાવી લેવામાં આવશે નહીં"; છાના ખૂણે રંધાઈ રહેલા આયોજનનો પર્દાફાશ

     ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસટી) માં મુસાફરોને નવી એસી અને વોલ્વો બસોની સુવિધા તો મળી રહી છે, પરંતુ તેની પાછળ ખાનગીકરણનું એક મોટું ષડયંત્ર રંધાઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. નિગમ અત્યારે પોતાની માલિકીની બસો વધારવાને બદલે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પાસેથી બસો ભાડે લઈને ચલાવી રહ્યું છે. હાલમાં ૨૫૦ પ્રીમિયમ બસો ભાડે ચાલે છે, જેના માટે દર મહિને ₹૧૩ કરોડ જેટલું તોતિંગ ભાડું ચૂકવવામાં આવે છે. હવે નિગમ વધુ ૧૨૦૦ નવી બસો ભાડે લેવાની તૈયારી કરી રહ્યું છે, જેનો કર્મચારી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે.

    એસટી કર્મચારી સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલી નવી બસો ભાડે લેવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ૫૦૦ એસી, ૫૦૦ મિની બસ, ૧૦૦ એસી લક્ઝરી અને ૧૦૦ એસી સ્લીપર બસનો સમાવેશ થાય છે. આ આશ્ચર્યજનક નિર્ણય પાછળનું આર્થિક ગણિત ઘણું વિચિત્ર છે. એક નવી પ્રીમિયમ બસની કિંમત અંદાજે ₹૧ થી ૧.૫ કરોડ હોય છે. એટલે કે ૨૫૦ બસો નવી ખરીદવા માટે ₹૩૫૦ કરોડનો ખર્ચ થાય, તેની સામે નિગમ અઢી વર્ષમાં જ તેટલી રકમ માત્ર ભાડા પેટે ખાનગી કંપનીઓને ચૂકવી દેશે.

    આ નીતિને કારણે એસટી નિગમ પોતાની મિલકતો ઊભી કરવાને બદલે ખાનગી કંપનીઓની ઝોળી ભરી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. દસ વર્ષના ગાળામાં ભાડા પેટે આશરે ₹૧૫૦૦ થી ૨૦૦૦ કરોડ ખાનગી માલિકોને પધરાવી દેવાશે, જ્યારે તેટલી રકમમાં નિગમ પોતાનો વિશાળ કાફલો ઊભો કરી શકતું હતું. કર્મચારી નેતાઓનું કહેવું છે કે પીપીપી (PPP) મોડલના નામે સરકાર સિફતતાપૂર્વક જાહેર પરિવહનનું ખાનગીકરણ કરી રહી છે, જે લાંબા ગાળે સંસ્થા અને જનતા બંને માટે નુકસાનકારક સાબિત થશે.

    માત્ર બસો જ નહીં, પરંતુ નિગમ હવે માનવબળનું પણ ખાનગીકરણ કરવા જઈ રહ્યું હોય તેવા એંધાણ મળી રહ્યા છે. બે હજાર ડ્રાઈવર અને બે હજાર કંડક્ટરોની ભરતી સરકારી ધારાધોરણ મુજબ કરવાને બદલે આઉટસોર્સિંગ એટલે કે ખાનગી એજન્સીઓ દ્વારા કરવાની હિલચાલ શરૂ થઈ છે. આ નિર્ણયથી એસટીના કાયમી માળખા પર ખતરો ઉભો થયો છે. ભારતીય મઝદૂર સંઘના અગ્રણી વલ્લભભાઈ વાઘાણીએ આ મામલે સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે, કર્મચારીઓના હિતોને નુકસાન પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.

    આગામી દિવસોમાં એસટીના ત્રણેય મુખ્ય કર્મચારી સંગઠનો સાથે મળીને આ ખાનગીકરણ વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવાની રણનીતિ ઘડી રહ્યા છે. કર્મચારીઓનું માનવું છે કે નિગમના અધિકારીઓ અને નેતાઓ છાના ખૂણે ખાનગીકરણનો ખેલ પાડી રહ્યા છે. જો નિગમ પોતાની ભૂલ સુધારીને નવી બસોની સીધી ખરીદી અને કાયમી ભરતી નહીં કરે, તો ગુજરાતના માર્ગો પર એસટીના પૈડાં થંભી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ વિવાદ હવે સરકાર માટે આવનારા દિવસોમાં મોટો પડકાર બની રહેશે.