જામનગરમાં પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં AHP ની બેઠક
-
ગામડે-ગામડે અને સોસાયટીઓમાં શનિવારે સામૂહિક હનુમાન ચાલીસાનું આયોજન
-
24 કલાક હિન્દુ હેલ્પલાઇન, નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને કાનૂની માર્ગદર્શન મળશે
-
જામનગર જિલ્લા અને શહેરમાં હોદ્દેદારોને સોંપાઈ મહત્વની નવી જવાબદારીઓ
સિટી ન્યુઝ @ જામનગર
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) ના સ્થાપક અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર ખાતે સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો, સંગઠનનું માળખું વધુ સુદ્રઢ બનાવવા અને સમાજ સેવાની નવી યોજનાઓ અંગે કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ અને સૌરાષ્ટ્ર સંગઠન મહામંત્રી નિર્મલસિંહ ખુમાન સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠન દ્વારા આગામી દિવસોમાં 25 લાખ ઘરો સુધી સીધો સંપર્ક કરવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો હતો. દેશભરમાં 1 લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ લેતા ડો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વિની અને છાત્ર પરિષદ દ્વારા દરેક વિસ્તારમાં દર શનિવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ યોજવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રો માત્ર ધાર્મિક જાગૃતિ પૂરતા મર્યાદિત ન રહેતાં 24 કલાક હિન્દુ હેલ્પલાઇન, હિન્દુ 108 સેવા, બીપી-શુગરની ફ્રી તપાસ, તબીબી-કાનૂની સલાહ, બાળ પ્રતિભા વિકાસ અને મહિલા સુરક્ષા જેવી બહુલક્ષી સેવાઓ પ્રદાન કરશે.
આ કાર્યક્રમમાં સંગઠનના વિસ્તરણ હેઠળ જામનગર જિલ્લા મંત્રી તરીકે અમિતભાઈ, શહેર ઉપાધ્યક્ષ તરીકે વિરલભાઈ ત્રિવેદી, મીડિયા સેલ ઈન્ચાર્જ તરીકે ધર્મેશભાઈ રાવલ, રાષ્ટ્રીય મહિલા પરિષદ શહેર પ્રમુખ તરીકે હર્ષિદાબેન મહેતા અને મંત્રી તરીકે નિયતિબેન પાબારીને નવી જવાબદારી સોંપવામાં આવી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં NEET પરીક્ષા વિવાદ અંગે પ્રતિક્રિયા આપતાં ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ ફેલાય છે અને ભવિષ્યમાં આવા પેપર લીક સંપૂર્ણપણે અટકવા જોઈએ.
દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થપાશે: તોગડિયા
જામનગરમાં ડો. પ્રવીણ તોગડિયાની હાજરીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં 25 લાખ પરિવારોનો સંપર્ક કરવાનો અને દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ લેવાયો હતો. આ કેન્દ્રો દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ, 24 કલાક હેલ્પલાઇન અને કાનૂની સહાય અપાશે. આ દરમિયાન જામનગરમાં નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરાઈ હતી.