Loading Please Wait !!!
ચાંદખેડામાં ચૂંટણી જંગ પૂર્વે રાજકીય ભૂકંપ: ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રાના ‘ગેરકાયદે બાંધકામ’ની પોલ ખૂલી

 

  • કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રા પર ગેરકાયદે બાંધકામ અને દબાણના આક્ષેપો કર્યા.

  • સોસાયટીના માર્જિનની 10 ફૂટ જગ્યામાં ગેરકાયદે બગીચો, શેડ અને ખાનગી પાર્કિંગ બનાવ્યું હોવાનો દાવો.

  • કોંગ્રેસનો આક્ષેપ છે કે વર્ષ 2024 થી રજૂઆત કરવા છતાં AMC દ્વારા ભાજપના શાસનમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રા પર ગેરકાયદેસર બાંધકામ અને સોસાયટીની કોમન જગ્યામાં દબાણ કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે સ્થળ પર પહોંચીને પુરાવા સાથે ભાજપના ઉમેદવારની પોલ ખોલતા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

    રાજશ્રીબેન કેસરીના જણાવ્યા મુજબ, અતુલ મિશ્રાએ સોસાયટીના નિયમોને નેવે મૂકીને બે ફ્લેટ વચ્ચેની 10 ફૂટની માર્જિનની જગ્યામાં ગેરકાયદે બગીચો અને શેડ બનાવી દીધો છે. એટલું જ નહીં, મંજૂરી વગર કોમન જગ્યામાં દરવાજો પાડીને કબજો કર્યો છે અને ખાનગી પાર્કિંગ ઊભું કરી દીધું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "જે વ્યક્તિ નગરસેવક બનતા પહેલા જ દબાણ કરી રહી છે, તે નગરસેવક બનીને જનતાનો વિકાસ શું કરશે?"

    કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે આ મુદ્દે તંત્રને પણ આડે હાથ લીધું હતું. તેમણે આક્ષેપ કર્યો કે સોસાયટીના રહીશો વર્ષ 2024 થી AMC માં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ભાજપના ઉમેદવાર હોવાથી તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. દબાણથી કંટાળીને સોસાયટીના ચેરમેને પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ગેરકાયદેસર શેડ તાત્કાલિક તોડી પાડવામાં આવે.

    નોંધનીય છે કે ચાંદખેડા વોર્ડમાં અતુલ મિશ્રાની પસંદગીને લઈને ભાજપમાં પહેલેથી જ આંતરિક વિખવાદ ચાલતો હતો. હિન્દી ભાષી ચહેરાને ટિકિટ આપવા સામે સ્થાનિક કાર્યકરોમાં નારાજગી હતી, ત્યારે હવે આ બાંધકામ વિવાદે ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ચર્ચા તો એવી પણ છે કે ભાજપના અન્ય એક ઉમેદવારનું બાંધકામ પણ વિવાદમાં છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના પક્ષના ઉમેદવાર સામે તપાસ કરી કાર્યવાહી કરવાની હિંમત બતાવશે કે કેમ.