પેપર લીકનો આરોપી હવે ભાજપનો 'યુવા નેતા': ATSએ જેની ધરપકડ કરી હતી તેને સોંપાયો જિલ્લા પ્રમુખનો હોદ્દો
- અરવલ્લી ભાજપ યુવા મોરચામાં આકાશ પટેલની નિમણૂકથી ખળભળાટ - બેરોજગાર યુવાનોમાં સરકાર સામે ભારે રોષ
- 10 લાખમાં પેપર ખરીદવાનો આક્ષેપ છતાં પક્ષમાં મળ્યું મોટું પદ - આગામી ચૂંટણીમાં ટિકિટની ગોઠવણની ચર્ચાઓ તેજ
- એટીએસ (ATS) ની તપાસમાં ખૂલ્યું હતું નામ - કાકા કોર્પોરેટર હોવાના જોરે ભત્રીજાનો રાજકીય સૂર્યોદય?
ગુજરાતમાં લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં અત્યારે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં જેની સંડોવણી બદલ ગુજરાત એટીએસ (ATS) દ્વારા જેલના સળિયા ગણાવવામાં આવ્યા હતા, તે આરોપી આકાશ જશુભાઈ પટેલને ભાજપ સંગઠન દ્વારા અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકે શાસક પક્ષની 'ઝીરો ટોલરન્સ' નીતિ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
10 લાખમાં પેપર ખરીદ્યાનો હતો આક્ષેપ નોંધનીય છે કે જાન્યુઆરી 2023માં જ્યારે તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક થયું હતું, ત્યારે એટીએસની તપાસમાં બાયડના આકાશ પટેલનું નામ ખુલ્યું હતું. તેના પર આરોપ હતો કે તેણે 10 લાખ રૂપિયા જેવી મોટી રકમ આપીને પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્ર મેળવી લીધું હતું. આ કેસમાં તેની ધરપકડ પણ થઈ હતી. હવે તે જ વ્યક્તિને યુવાનોના આદર્શ ગણાતા 'યુવા મોરચા'નું સુકાન સોંપાતા પક્ષના પાયાના કાર્યકરોમાં પણ અંદરખાને ગણગણાટ શરૂ થયો છે.
રાજકીય વગ અને આગામી રણનીતિ રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આકાશ પટેલના પરિવારનું સ્થાનિક રાજકારણમાં મોટું વર્ચસ્વ છે. તેના કાકા કોર્પોરેટર હોવાના નાતે પક્ષમાં સારી પકડ ધરાવે છે. ચર્ચા એવી પણ છે કે આ પદ મળ્યા બાદ આકાશ પટેલ હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવવા માટે મજબૂત લોબિંગ કરી રહ્યો છે. જોકે, આ નિમણૂકથી વિરોધ પક્ષોને પણ બેરોજગાર યુવાનોના મુદ્દે સરકારને ઘેરવાની મોટી તક મળી ગઈ છે.
યુવાનોમાં આક્રોશ: સરકારના બેવડા ધોરણો? એક તરફ રાજ્ય સરકાર પેપર લીક ડામવા માટે વિધાનસભામાં કડક કાયદા પસાર કરી રહી છે અને ગુનેગારોને દસ વર્ષની જેલની જોગવાઈ કરી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ જિલ્લા એકમમાં આરોપીને લાલ જાજમ બિછાવવામાં આવતા યુવાનોમાં હતાશા વ્યાપી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના વિદ્યાર્થી સંગઠનો આ મામલે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વિવાદ વધતા પક્ષ હાઈકમાન્ડ આ નિમણૂક પર કાતર ફેરવે છે કે પછી બચાવ કરે છે.