Loading Please Wait !!!
"સૌરાષ્ટ્રમાં ખેડૂત સંગઠન કે રાજકીય ષડયંત્ર? પ્રવીણ રામ અને રાજુ કરપડા સામસામે, 'ખેડૂત સંકલ્પ યાત્રા' પર આક્ષેપોની ઝડી"

  • "ભાજપના ઈશારે મતોના વિભાજનનો ખેલ ખેલાઈ રહ્યો છે" - આપ નેતા પ્રવીણ રામનો સનસનીખેજ આક્ષેપ
  • તુલસીશ્યામથી શરૂ થયેલી યાત્રા કેશોદ પહોંચતા જ વિવાદોમાં ઘેરાઈ - ખેડૂત નેતાઓની લડાઈ હવે સોશિયલ મીડિયામાં પણ તેજ
  • સત્તા પક્ષના કાર્યકરોની સક્રિયતા પર ઉઠ્યા સવાલ - ખેડૂત હિત કે પછી આગામી ચૂંટણી માટે નવું પ્લેટફોર્મ?

સૌરાષ્ટ્રના ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા નીકળેલી 'ખેડૂત સંકલ્પ યાત્રા' હવે શુદ્ધ રાજકીય અખાડો બની ગઈ છે. તુલસીશ્યામથી શરૂ થયેલી આ યાત્રા જ્યારે કેશોદ પહોંચી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે તેના પર આકરા પ્રહારો કર્યા છે. જેના જવાબમાં ખેડૂત નેતા રાજુ કરપડાએ વળતો હુમલો કરતા મામલો ગરમાયો છે.

"ભાજપના ઈશારે ખેલાતો ખેલ" આપ નેતા પ્રવીણ રામે યાત્રાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, "આ ખેડૂત હિતની યાત્રા નથી પણ ખેડૂતોના મતોનું વિભાજન કરવાનું ષડયંત્ર છે. કેશોદની રાત્રી સભામાં માંડ 50 લોકો હતા અને સ્ટેજ પર ખેડૂતો કરતા ભાજપના કાર્યકરો વધુ સક્રિય દેખાયા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ખેડૂતોને અંધારામાં રાખી નવી નેતાગીરી ઊભી કરવાનો આ પ્રયાસ છે.

"પદ છોડીને ખેડૂતોની વચ્ચે આવ્યો છું" બીજી તરફ રાજુ કરપડાએ આ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, "હું પ્રદેશ સ્તરના હોદ્દાઓ ત્યજીને ખેડૂતોના હિત માટે મેદાનમાં આવ્યો છું. જ્યારે ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું હોય ત્યારે અમુક લોકોના પેટમાં તેલ રેડાતું હોય છે." તેમણે સ્પષ્ટ કર્યું કે યાત્રા દરમિયાન અનેક ગામડાઓના ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે અને આગામી સમયમાં ટ્રેક્ટર રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.

સવાલ ખેડૂત નેતાગીરીનો? સૌરાષ્ટ્રમાં ખેડૂત મતો હંમેશા નિર્ણાયક રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ખેડૂત નેતા તરીકે કોણ મજબૂત છે તે સાબિત કરવાની આ લડાઈ હવે વ્યક્તિગત આક્ષેપો સુધી પહોંચી છે. પ્રવીણ રામની 'વિપક્ષી જાગૃતતા' અને રાજુ કરપડાનો 'ખેડૂત સત્યાગ્રહ' - આ બંને વચ્ચે હવે સામાન્ય ખેડૂત મૂંઝવણમાં છે કે અસલી લડાઈ કોણ લડી રહ્યું છે.