Loading Please Wait !!!
AAPનો અજીબોગરીબ 'સેલ્ફ-ગોલ': ભાજપના નેતાના પત્નીને પૂછ્યા વગર જ ટિકિટ આપી દીધી, વડોદરામાં ભારે વિવાદ!

  • "અમારે ચૂંટણી લડવી જ નથી" - વડુ બેઠક પર કાંતાબેન પઢીયારના પતિ નટવરસિંહનો ધડાકો.
  • ઉમેદવારને ખબર પણ નથી અને પાર્ટીએ જાહેર કરી દીધું નામ - વડુ જિલ્લા પંચાયત બેઠક પર હાસ્યાસ્પદ સ્થિતિ
  • જાણ બહાર ટિકિટ આપવાનો ગંભીર આક્ષેપ - પત્નીની નબળી તબિયતનું કારણ આપી ચૂંટણી લડવાનો ઇનકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષોમાં ટિકિટ ફાળવણીનો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP) એ એક એવી ભૂલ કરી છે જેનાથી પક્ષની ભારે ફજેતી થઈ રહી છે. પાદરા તાલુકાની જિલ્લા પંચાયતની વડુ બેઠક પર આમ આદમી પાર્ટીએ ભાજપના પૂર્વ સરપંચ નટવરસિંહ પઢીયારના પત્ની કાંતાબેન પઢીયારને ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ નટવરસિંહ પઢીયારે ચોંકાવનારો ધડાકો કર્યો છે કે આ ટિકિટ તેમની અને તેમની પત્નીની જાણ બહાર ફાળવવામાં આવી છે.

વડુ ગામના પૂર્વ સરપંચ નટવરસિંહ પઢીયારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો છીએ. આમ આદમી પાર્ટીએ અમારી ટિકિટ કયા આધારે ફાળવી તે ખબર નથી. જ્યારે સમાચારમાં નામ જોયું ત્યારે જ અમને ખબર પડી કે કાંતાબેનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમે ક્યારેય AAP પાસે ટિકિટ માંગી નથી અને અમારે ચૂંટણી લડવી પણ નથી."

નટવરસિંહે વધુમાં ઉમેર્યું કે, તેમની પત્ની કાંતાબેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી નબળી રહે છે, તેથી તેઓ ચૂંટણી લડવા માટે સક્ષમ નથી. પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણકારી કે મંજૂરી વગર આ રીતે ટિકિટ ફાળવવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં આશ્ચર્ય ફેલાયું છે. આ ઘટનાથી એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું આમ આદમી પાર્ટી પાસે સક્ષમ ઉમેદવારોનો અભાવ છે કે પછી ઉતાવળમાં અન્ય પક્ષના નેતાઓના પરિવારજનોના નામ યાદીમાં ઘુસાડી દેવામાં આવ્યા છે?

બીજી તરફ, કાંતાબેન પઢીયારે પણ આ ટિકિટનો અસ્વીકાર કર્યો હોવાની વિગતો મળી રહી છે. ભાજપના પાયાના કાર્યકર ગણાતા પરિવારને AAP એ ટિકિટ આપતા ભાજપના સ્થાનિક સંગઠનમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે. AAP ની આ રણનીતિ પક્ષ માટે આત્મઘાતી સાબિત થઈ રહી હોય તેમ જણાય છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ બાદ આમ આદમી પાર્ટી વડુ બેઠક પર નવો કયો ચહેરો ઉતારે છે.