Loading Please Wait !!!
PoK માં જ્વાળામુખી ફાટવાની તૈયારી: જોઇન્ટ આવામી એકશન કમિટીનું સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ

  • કાશ્મીરી નેતાનો હુંકાર, 'અમને હિંસા તરફ ન ધકેલો', 1500 થી વધુ કાર્યકરોની અટકાયતથી આક્રોશ
  • સરદાર અમાન કાશ્મીરીની ચેતવણી, સુરક્ષા દળોને પાછા ખેંચો અને માંગણીઓ સ્વીકારો
  • સુરક્ષા એજન્સીઓના દરોડા અને તોડફોડથી લોકોમાં ભારે રોષ, તણાવ ચરમસીમાએ

સિટી ન્યુઝ @ કરાંચી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સુરક્ષા દળોની વધતી જતી તૈનાતી અને સ્થાનિકો પર કરવામાં આવતા દમન સામે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલું આંદોલન હવે વધુ તીવ્ર બની રહ્યું છે. જોઇન્ટ આવામી એકશન કમિટીએ પાકિસ્તાની વહીવટીતંત્રને માત્ર 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. રાવલાકોટમાં એક વિશાળ જાહેર સભાને સંબોધતા સરદાર અમાન કાશ્મીરીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, પ્રદર્શનકારીઓને હિંસા તરફ ધકેલવામાં ન આવે અને તેમની વ્યાજબી માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.

આંદોલનકારી નેતાઓએ પાકિસ્તાની સેના અને રેન્જર્સની વધતી જતી દખલગીરી સામે મોરચો માંડ્યો છે. નેતાઓનો આરોપ છે કે, છેલ્લા 21 દિવસમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ 1,500 થી વધુ નિર્દોષ નાગરિકોની અટકાયત કરી છે. રાત્રિના સમયે શૌકત નવાઝ મીર જેવા સ્થાનિક નેતાઓના ઘરે દરોડા પાડી તોડફોડ કરવામાં આવતા આક્રોશ વધુ વધ્યો છે. પ્રદર્શનકારીઓએ એક સૂરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા કે, 'આ દેશ અમારો છે' અને તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાના સંઘર્ષને અધવચ્ચે છોડશે નહીં.

PoK ના સ્થાનિકોમાં પાકિસ્તાની શાસન સામે અગાઉથી જ અસંતોષની લાગણી પ્રવર્તી રહી હતી, જે હવે ખુલ્લા બળવા તરીકે બહાર આવી રહી છે. જો આગામી 24 કલાકમાં પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો PoK માં સ્થિતિ વધુ વણસી શકે છે અને વ્યાપક અશાંતિ ફેલાવાની શક્યતા નકારી શકાતી નથી. સુરક્ષા દળોને પાછા ખેંચવાની માંગ સાથે નેતાઓએ યુએનના ઠરાવોનો પણ હવાલો આપ્યો છે અને દબાણ સામે ન ઝૂકવાની મક્કમ પ્રતિજ્ઞા લીધી છે.

જનતાનો આક્રોશ અને પાકિસ્તાનની નીતિ

જ્યારે કોઈ શાસન પોતાની જ પ્રજાને દમન અને બંદૂકની અણી પર રાખવાનો પ્રયાસ કરે, ત્યારે તેનો અંત હંમેશા આંદોલન અને વિદ્રોહમાં જ થતો હોય છે. PoK માં ચાલી રહેલો આ સંઘર્ષ પાકિસ્તાની સરકારની નિષ્ફળતા અને દમનકારી નીતિનું પ્રતિબિંબ છે. માનવ અધિકારોનું ઉલ્લંઘન અને સ્થાનિકોની અવગણનાના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બેનકાબ થઈ રહ્યું છે. જનતાનો આ આક્રોશ આવનારા દિવસોમાં પાકિસ્તાન માટે એક મોટી રાજકીય કટોકટી સર્જી શકે તેમ છે.