Loading Please Wait !!!
મુંજકા નગરમાં RSS દ્વારા ભવ્ય `યુવા સંમેલન' યોજાયું

  • પક્ષીઓ માટે માળા-કુંડા લગાવી પર્યાવરણ જતનનો સંકલ્પ લેવાયો
  • સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ અંગે બૌદ્ધિક ડિબેટ યોજાઈ
  • કમલેશભાઈ રાદડિયાએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા આપી

    સિટી ન્યૂઝ@રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), નટરાજ વિસ્તારના મુંજકા નગર દ્વારા વિશેષ 'યુવા સંમેલન' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં યુવા શક્તિને રાષ્ટ્રહિત અને વ્યક્તિગત વિકાસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી સંવેદના, બૌદ્ધિક અને શારીરિક એમ 3 મહત્વપૂર્ણ વિષયો પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આરંભમાં યુવા સ્વયંસેવકોમાં જીવદયા અને પ્રકૃતિ પ્રેમ જાગૃત થાય તે હેતુથી 'સંવેદના' વિષય હેઠળ વિશેષ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે ચકલીના માળા અને પાણીના કુંડા લગાવવામાં આવ્યા હતા. યુવાનોએ પર્યાવરણના જતન અને રક્ષણ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. યુવાનોમાં સ્ફૂર્તિ અને સાહસ વધે તે માટે વિવિધ કૌશલ્ય પ્રધાન રમતો રમાડવામાં આવી હતી. આ રમતો દ્વારા સાંઘિક ભાવના અને વ્યૂહરચનાના પાઠ શીખવવામાં આવ્યા હતા. ત્યારબાદ બૌદ્ધિક વિભાગમાં વર્તમાન સમયના મહત્વના વિષય "સોશિયલ મીડિયાના લાભ અને ગેરલાભ" પર 2 ટીમો વચ્ચે તંદુરસ્ત ચર્ચા (ડિબેટ) યોજાઈ હતી. જેમાં ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર પ્રાંત સહ પ્રચારક કમલેશભાઈ રાદડિયાનું પ્રેરક બૌદ્ધિક યોજાયું હતું. તેમણે યુવા અવસ્થાના મહત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, સંસ્કાર અને શક્તિનો સમન્વય જ દેશને પરમ વૈભવ પર લઈ જઈ શકે છે. આ સંમેલનમાં મુંજકા નગરના તમામ યુવા સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.