જૂનાગઢમાં સરકારી શાળાઓની બસ સેવા ઠપ્પ, 10 દિવસથી વાલીઓ પરેશાન
- નવું સત્ર શરૂ છતાં ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ રહેતા બાળકોની સુરક્ષા અને અભ્યાસ સામે સવાલો
- રોજીંદા 500 રૂપિયાની આવક ગુમાવી વાલીઓ બાળકોને લેવા-મૂકવા મજબૂર, તંત્ર આશ્વાસન આપી ગયું
- 10 દિવસથી સેવા ઠપ્પ, ટ્રાફિક વચ્ચે બાળકોની સુરક્ષા માટે વાલીઓ ચિંતિત
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી પ્રાથમિક શાળામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના 10 દિવસ વીતી ગયા હોવા છતાં, સરકારી ટ્રાન્સપોર્ટેશન સેવા હજુ પણ સંપૂર્ણપણે ઠપ્પ હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સરકારી તંત્રની ઘોર આળસ અને નબળા આયોજનને કારણે નિર્દોષ વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શાળાઓ ખૂલી ગઈ હોવા છતાં બસની કોઈ વ્યવસ્થા ન હોવાથી નાના બાળકોના શિક્ષણ અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક વાલીઓનું કહેવું છે કે બસ સુવિધા બંધ હોવાને કારણે તેમને આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાલીઓને પોતાના રોજગાર-ધંધા બંધ રાખીને સવારે અને બપોરે બાળકોને શાળાએ લેવા-મૂકવા જવું પડે છે, જેના કારણે તેમને દૈનિક અંદાજે 500 રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સૌથી મોટી ચિંતા તો બાળકોની સુરક્ષાની છે, કારણ કે ભારે ટ્રાફિક ધરાવતા બાયપાસ હાઈવે પાર કરતી વખતે બાળકોને અકસ્માતનો મોટો ડર રહે છે. ધારાસભ્યથી લઈને શિક્ષણ અધિકારી સુધી રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વહીવટી મંજૂરી જિલ્લા કક્ષાએથી આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં પ્રાથમિક શાળાના અંદાજિત 3,827 વિદ્યાર્થીઓને અને માધ્યમિક વિભાગના 1,365 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે આગામી એકાદ દિવસમાં તમામ મંજૂરીઓ મળી જશે અને વાહનની સ્થાનિક વ્યવસ્થા શાળાની એસએમસી દ્વારા કરવામાં આવશે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાના દાવાઓ વચ્ચે વાલીઓનો મુખ્ય સવાલ એ જ છે કે દર વર્ષે સત્ર શરૂ થયા બાદ જ આયોજન કેમ કરવામાં આવે છે?
સરકારી ટ્રાન્સપોર્ટેશન યોજનાના લાભ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સુવિધા મળે તે માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી દીઠ માસિક 600 રૂપિયા અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી દીઠ 800 રૂપિયા ચૂકવવામાં આવે છે. મંજૂરી મળ્યા બાદ વાહનની સ્થાનિક ગોઠવણ શાળા સંચાલક સમિતિ (SMC) એ કરવાની રહે છે. તંત્રના જણાવ્યા અનુસાર વહીવટી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ માટે વાહન સેવા શરૂ કરી દેવામાં આવશે.