"પાલિતાણાના જૈન બાલાશ્રમમાં ગૃહપતિનું પાપ: 8 સગીરો સાથે 3 વર્ષ સુધી આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય"
- પ્રાર્થનાખંડમાં ખેલાયો મલીન ખેલ - ધોરણ 10ના વિદ્યાર્થીની ફરિયાદ બાદ હસમુખ શાહ સામે પોક્સો હેઠળ ગુનો
- CCTV વગરના હોલમાં આચરતો કુકર્મ - એસ.પી. નીતિશ પાંડેના આદેશ બાદ પાલિતાણા પોલીસે નોંધી FIR.
- ઓપરેશન કરાવવું પડ્યું છતાં ન અટકી હેવાનીયત - સમગ્ર કાંડ બહાર આવતા નરાધમે ઝેરી દવા પીધાની ચર્ચા.
ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં આવેલ સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. અહીંના 63 વર્ષીય ગૃહપતિ હસમુખભાઈ શાહે છેલ્લા 3 વર્ષથી આશ્રમમાં રહીને અભ્યાસ કરતા 8 સગીર વિદ્યાર્થીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે એક પીડિત વિદ્યાર્થીના પિતાએ હિંમત દાખવીને ભાવનગર એસ.પી. સમક્ષ રજૂઆત કરતા સમગ્ર પાપલીલાનો પર્દાફાશ થયો છે.
CCTV વગરના પ્રાર્થના હોલમાં આચરતો કુકર્મ પીડિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે, તે જ્યારે ધોરણ 8માં હતો ત્યારથી ગૃહપતિ હસમુખ શાહ તેને બ્લેકમેલ કરીને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. છેલ્લે ગત 12-03-2026ના રોજ તેને બાલાશ્રમના એવા પ્રાર્થના હોલમાં બોલાવાયો હતો જ્યાં CCTV કેમેરા નથી. આ નરાધમની હેવાનીયતના કારણે પીડિત વિદ્યાર્થીને ગળા અને પેટના ઓપરેશન સુધીની નોબત આવી હતી. આરોપી વિદ્યાર્થીઓને એવી ધમકી આપતો હતો કે "તમે ગરીબ છો અને તમારા પિતા ફી ભરી શકે તેમ નથી," જેના ડરથી બાળકો મૌન રહ્યા હતા.
પોલીસે પગલાં ન લેતા એસ.પી.ના દ્વાર ખખડાવ્યા વિદ્યાર્થીએ વેકેશનમાં ઘરે જઈ પિતાને આપવીતી જણાવતા પિતાએ ટ્રસ્ટીઓ અને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે, શરૂઆતમાં પાલિતાણા પોલીસે કોઈ નક્કર પગલાં ન લેતા પીડિત પરિવાર ભાવનગર એસ.પી. નીતિશ પાંડે પાસે પહોંચ્યો હતો. એસ.પી.એ મામલાની ગંભીરતા જોઈને તત્કાલ પાલિતાણા ટાઉન પોલીસને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો, જેના પગલે હવે કાયદેસરની કાર્યવાહી તેજ બની છે.
આરોપી સસ્પેન્ડ, ઝેરી દવા પીધી હોવાની ચર્ચા સમગ્ર કાંડ બહાર આવતા જ બાલાશ્રમ દ્વારા ગૃહપતિ હસમુખ શાહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પાલિતાણામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આબરૂ જવાના ડરે નરાધમ ગૃહપતિએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે, જોકે આ અંગે પોલીસ દ્વારા હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટનાથી જૈન સમાજ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાલાશ્રમની સુરક્ષા પર ગંભીર સવાલો નોંધનીય છે કે, આ બાલાશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા સંચાલિત અન્ય એક વિદ્યાલયમાં પણ વર્ષ અગાઉ છેડતીની ઘટના બની હતી. પવિત્ર પ્રાર્થનાખંડ જેવા સ્થળે જ CCTV કેમેરા ન હોવા અને 3 વર્ષ સુધી ટ્રસ્ટીઓને આ કૃત્યની ગંધ ન આવવી તે સંચાલકોની નિષ્ફળતા દર્શાવે છે. હાલમાં પોલીસ અન્ય 7 ભોગ બનનાર વિદ્યાર્થીઓના નિવેદન લેવાની અને આરોપીની ધરપકડ કરવાની દિશામાં કામ કરી રહી છે.