Loading Please Wait !!!
યુએનમાં કાશ્મીર રટણ છોડતું નથી પાકિસ્તાન સરકાર

 

  • સંયુક્ત રાષ્ટ્રમાં શાહબાઝ શરીફે ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો

  • પાણી રોકવાના પ્રયાસને યુદ્ધ સમાન ગણાવતી ધમકીઓ

  • ભારત વિરુદ્ધ આકરા પ્રહારો કરીને ટીકાઓ કરી

સિટી ન્યુઝ @ ન્યૂયોર્ક

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર કાશ્મીરનો બિનજરૂરી રાગ આલાપતા દાવો કર્યો હતો કે કાશ્મીર તેમના માટે ગળાની નસ સમાન છે. આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરીને તેમણે ભારત પર પાયાવિહોણા આરોપો મૂક્યા હતા અને દાવો કર્યો હતો કે ભારત સરહદી વિસ્તારોમાં લોકો પર અત્યાચાર ગુજારી રહી છે.

આ ભાષણ દરમિયાન શાહબાઝ શરીફે ભારતને સિંધુ નદીનું પાણી ન રોકવાની ખુલ્લી ધમકી પણ આપી હતી. તેમણે ઉદ્ધતાઈપૂર્વક જણાવ્યું હતું કે જો ભારતે પાણી રોકવાનો કોઈ પણ પ્રયાસ કર્યો તો તેને સીધી યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે, કારણ કે પાણીનો ઉપયોગ ક્યારેય હથિયાર તરીકે ન થવો જોઈએ અને ભારતે આ બાબતે કોઈ ભૂલ ન કરવી જોઈએ.

સિંધુ જળ સંધિ અંગે બોલતા તેમણે આક્ષેપ કર્યો હતો કે ગયાવર્ષે ભારત-પાકિસ્તાન સંઘર્ષ બાદ ભારતે આ સંધિને એકતરફી રીતે સ્થગિત કરી દીધી છે, જેનો કોઈ કાનૂની આધાર નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુએનના નિષ્ણાતો અને કાયમી મધ્યસ્થતા અદાલતે ભારતના દાવાઓને ફગાવી દીધા છે, જેનાથી પાકિસ્તાનનું વલણ સાચું સાબિત થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

પોતાના સંબોધનમાં તેમણે ગયા વર્ષે થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કરતા પોતાની સેનાના વખાણ કર્યા હતા અને દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરના નેતૃત્વમાં સચોટ જવાબ આપ્યો હતો. આ સાથે જ તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુણગાન ગાતા કહ્યું કે મે 2025 માં ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવીને કરોડો લોકોના જીવ બચાવ્યા છે.

દક્ષિણ એશિયામાં શાંતિની વાતો કરતા તેમણે ફરીથી કાશ્મીર વિવાદના ઉકેલ પર ભાર મૂક્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન સતત આતંકવાદને આશ્રય આપીને આંતરરાષ્ટ્રીય મંચો પર માત્ર રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યું છે, જેને વૈશ્વિક સ્તરે હંમેશાં નકારવામાં આવ્યું છે.

વૈશ્વિક મંચો પર પાકિસ્તાનનો દોષી ચહેરો

આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ શાંતિ અને સહયોગને બદલે પાયાવિહોણા વિવાદો ઉભા કરવા માટે કરવો એ પાકિસ્તાનની જૂની આદત રહી છે. ભારત હંમેશાં આતંકવાદમુક્ત વાતાવરણમાં વાતચીત કરવા માટે કટિબદ્ધ રહ્યું છે, પરંતુ ધમકીઓની ભાષા ક્યારેય સહન કરવામાં આવશે નહીં.