ગરબા પંડાલોમાં પ્રવેશ માટે VHP ની નવી ગાઈડલાઈન
-
ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ નિષેધ મૂકવાની માંગ
-
VHP અધ્યક્ષ અનિલ રુંગટાએ આપી વિરોધ પ્રદર્શનની ચીમકી
-
કપાળમાં તિલક લગાવીને ઉપસ્થિત રહેવા માટે કરાયું આહવાન
સિટી ન્યુઝ @ સુરત
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા પંડાલોની પવિત્રતા, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સુરત મહાનગર દ્વારા એક વિસ્તૃત અને કડક 12 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સંગઠન દ્વારા ગરબા સ્થળો પર ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ નિષેધ મૂકવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે અને જો આયોજકો આ નિયમોમાં સહકાર નહીં આપે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
VHP અધ્યક્ષ અનિલ રુંગટાએ જણાવ્યું કે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ વખતે દરેક વ્યક્તિનું માન્ય ફોટોવાળું ID પ્રૂફ અથવા આયોજક સમિતિ દ્વારા જારી કરાયેલ અધિકૃત પાસ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત, ભારતીય સંસ્કૃતિ અને નવરાત્રિના ધાર્મિક સ્વરૂપને ધ્યાનમાં રાખીને ગરબે ઘૂમતા ભાઈ-બહેનો કપાળમાં તિલક લગાવીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે વિશેષ પ્રેરણા આપવાનું સૂચન કરાયું છે.
સંગઠને ગરબા આયોજનોમાં કામ કરતી વિવિધ એજન્સીઓ અને સ્ટાફ માટે અત્યંત કડક શરતો મૂકતા જણાવ્યું છે કે સ્ટેજ પર પર્ફોર્મ કરતા કલાકારો, વીડિયોગ્રાફર, લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકો, કેટરિંગ વ્યવસ્થા સંભાળતા લોકો, પાર્કિંગ સ્ટાફ તેમજ સુરક્ષા માટે તહેનાત કરાતા બાઉન્સર્સ પણ અનિવાર્યપણે હિન્દુ જ હોવા જોઈએ.
બહેન-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંદર્ભે સ્પષ્ટ તાકીદ કરાઈ છે કે ગરબા સ્થળે કોઈપણ પ્રકારની અયોગ્ય ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, છેડતી કે શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખવામાં આવે અને ગેરરીતિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવી. સંગઠને પોતાના કાર્યકર્તાઓને પણ કાયદો હાથમાં ન લેતા પોલીસ પ્રશાસનના નિયમો અને સરકારી ગાઈડલાઈન મુજબ જ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
ગેરહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પાછળનું મુખ્ય કારણ ‘લવ જેહાદ’ અને હિન્દુ દીકરીઓની સુરક્ષા હોવાનું જણાવતા સંગઠને આક્ષેપ કર્યો છે કે કેટલાક યુવકો ખોટી ઓળખ ઊભી કરીને છેતરપિંડી આચરતા હોય છે. નવરાત્રિ એ માતાજીની ભક્તિનો પવિત્ર તહેવાર હોવાથી, જેમને હિન્દુ ધર્મમાં શ્રદ્ધા નથી તેમને પવિત્ર ઉત્સવમાં સામેલ ન કરવા માટે આ કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ધાર્મિક ઉત્સવોની પવિત્રતા અને સુરક્ષા
સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવો દરમિયાન સમાજમાં શાંતિ, સુરક્ષા અને પરંપરાગત મર્યાદાઓ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. આસ્થાના પ્રતિક સમાન આવા મહોત્સવોમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ અટકે અને ગરિમા અકબંધ રહે તે માટે સ્થાનિક પ્રશાસન અને આયોજકોએ સંયુક્તપણે પારદર્શક અને કડક પગલાં લેવા જોઈએ જેથી તહેવારનો સાચો આનંદ જળવાઈ રહે.