Loading Please Wait !!!
ચાલુ ટ્રેને પથ્થરમારો થવાથી મુસાફરોના જીવ તાળવે

 

  • નાગપુરથી મુંબઈ જતી દુરંતો એક્સપ્રેસ પર હુમલો

  • બોરખેડી સ્ટેશન પાસે અજાણ્યા શખ્સોએ કર્યો પથ્થરમારો

  • રેલવે પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધ્યો ગુનો

સિટી ન્યુઝ @ નાગપુર

નાગપુરથી મુંબઈ તરફ જઈ રહેલી દુરંતો એક્સપ્રેસ પર ગત 25 સપ્ટેમ્બરની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ હુમલા દરમિયાન ટ્રેનના A-1, B-2 અને B-5 કોચને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે મુસાફરોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ ઘટના બની તે સમયે એક મુસાફર પોતાના મોબાઈલ ફોનમાં વિડિયો બનાવી રહ્યો હતો, જેમાં અચાનક પથ્થર વાગવાથી બારીનો કાચ તૂટવાની ભયાનક ક્ષણ કેદ થઈ ગઈ હતી. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રેલવે મુસાફરોની સુરક્ષા અને સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

પથ્થરમારો એટલો જોરદાર હતો કે બારીનો કાચ તૂટીને અંદર બેઠેલા મુસાફરોના ચહેરા અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પર પડ્યો હતો. સદનસીબે પથ્થર કાચ પર જ અટક્યો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ હુમલામાં પ્રવાસ કરી રહેલા 4 મિત્રોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આગળના સ્ટેશને ટ્રેન રોકાયા બાદ મુસાફરોએ તાત્કાલિક રેલવે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. મધ્ય રેલવેના સીપીઆરઓ ડૉ. સ્વપ્નિલ નીલાએ પુષ્ટિ કરતા જણાવ્યું કે બોરખેડી સ્ટેશન પાસે બનેલી આ ઘટના બાદ રેલવે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) ની ટીમે 7 કિલોમીટરના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે.

પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે રેલવે એક્ટની કલમ 153 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. ચાલુ ટ્રેનો પર પથ્થરમારાની આ પ્રકારની ઘટનાઓ મુસાફરોના જીવન સાથે ચેષ્ટા સમાન છે, જેને ડામવા માટે તંત્ર દ્વારા કડક સુરક્ષાત્મક પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે.

ટ્રેન પ્રવાસીઓની સુરક્ષા અને કડક કાયદો

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રેલવે તંત્રની પ્રાથમિક જવાબદારી છે. ચાલુ ટ્રેનો પર પથ્થરમારો કરતા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે અને નાગરિકો નિર્ભય બનીને મુસાફરી કરી શકે.