ફ્લાઇટ્સ રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ ઈરાન
-
યુએઈ અને ઓમાન સહિત અનેક દેશોએ ફ્લાઇટ્સ અટકાવી
-
મોહમ્મદ મુખબરે પશ્ચિમ એશિયાની ઉડાનો અંગે ચેતવણી આપી
-
વિદેશી કંપનીઓને પણ અમેરિકાએ ડૉલર સિસ્ટમની આપી ધમકી
સિટી ન્યુઝ @ તેહરાન
ઈરાન દ્વારા એક અત્યંત આક્રમક અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે જો તેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તો તે આ વિસ્તારમાં કોઈપણ અન્ય દેશના વિમાનને પણ ઉડાન ભરવાની મંજૂરી આપશે નહીં. ઈરાની સુપ્રીમ લીડરના સલાહકાર મોહમ્મદ મુખબરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ફ્લાઇટ્સ કાં તો સૌના માટે ખુલ્લી રહેશે અથવા પછી કોઈના માટે પણ નહીં રહે.
અમેરિકા દ્વારા ગત 23 સપ્ટેમ્બરે ઈરાનની તમામ એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે UAE અને ઓમાન સહિતના અનેક દેશોએ ઈરાનથી આવતી-જતી ફ્લાઇટ્સ પર રોક લગાવી દીધી છે. ઈરાનથી દરરોજ સરેરાશ 100 જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હોય છે, ત્યારે આ પ્રતિબંધોથી હવાઈ માર્ગો પર ભારે અસ્થિરતા સર્જાઈ છે.
અમેરિકાએ માત્ર ઈરાની એરલાઇન્સ જ નહીં, પરંતુ વિદેશી કંપનીઓને પણ ચેતવણી આપી છે કે જો તેઓ ઈરાની વિમાનોને ઈંધણ, લેન્ડિંગ કે ટિકિટ જેવી સુવિધાઓ પૂરી પાડશે તો તેમને અમેરિકી ડૉલરની નાણાકીય વ્યવસ્થામાંથી બહાર કરી દેવામાં આવશે. આ કડક આર્થિક દબાણના કારણે વિદેશી કંપનીઓ પણ ઈરાન સાથેના વ્યવહારોથી દૂર રહેવા મજબૂર બની રહી છે.
આ સ્થિતિ સામે પ્રતિક્રિયા આપતા ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ મોહસિન રેઝાઈએ પાડોશી દેશોને અમેરિકાનો આદેશ ન માનવા અપીલ કરી હતી અને ચેતવણી આપી હતી કે જે દેશો ઈરાની ઉડાનો પર પ્રતિબંધ મૂકશે, તેમના એરપોર્ટ પરથી પણ ઈરાન કોઈ ઉડાન ચલાવવા દેશે નહીં.
ભૂતકાળમાં પણ ઈરાન દ્વારા સૈન્ય કાર્યવાહી અને મિસાઈલ તથા ડ્રોન હુમલા દ્વારા આ ક્ષેત્રના હવાઈ પરિવહનને ગંભીર અસર પહોંચાડવામાં આવી ચૂકી છે. આ વર્તમાન તણાવ જો આ જ રીતે વધતો રહ્યો તો પશ્ચિમ એશિયાનું સમગ્ર હવાઈ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉ્ડયન ભારે જોખમમાં મુકાઈ શકે છે.
વૈશ્વિક ઉડયન ક્ષેત્રે અસ્થિરતા અને જોખમ
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આર્થિક પ્રતિબંધોની સીધી અસર સામાન્ય નાગરિકોની મુસાફરી અને વૈશ્વિક વેપાર પર પડતી હોય છે. જ્યારે દેશો વચ્ચેના સૈન્ય સંઘર્ષો અને ધમકીઓ હવાઈ ક્ષેત્ર સુધી પહોંચે છે, ત્યારે સમગ્ર વિશ્વના સુરક્ષિત હવાઈ પરિવહનને ગંભીર આંચકો લાગે છે અને મુસાફરોની સુરક્ષા સૌથી મોટો પડકાર બની જાય છે.