Loading Please Wait !!!
પહેલગામ હુમલાને એક વર્ષ: ભાવનગરના પરમાર પરિવારનો ખાલીપો ક્યારેય નહીં ભરાય, પતિ-પુત્રને ગુમાવનાર કિરણબેન આજે પણ આઘાતમાં

 

  • આતંકી ઘટનાની પ્રથમ વરસીએ જખમો તાજા થયા; નજર સામે જ સ્વજનોને ગુમાવનાર માતાની તબિયત લથડી

  •  કિરણબેનની વ્યથા: "10 લાખની સહાય મળી પણ દીકરાને નોકરી મળે તો જીવન સુધરે"; PM મોદીને મળી આભાર માનવાની ઈચ્છા

  • વારંવાર બેભાન થઈ જાય છે કિરણબેન; કાળિયાબીડ વિસ્તારમાં શોકનું મોજું, સાંસદ અને નેતાઓ સતત સંપર્કમાં

     ભાવનગર: ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ હુમલામાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો પણ સમાવેશ થતો હતો. આજે હુમલાની પ્રથમ વરસી પર આ પરિવારના જખમો ફરી તાજા થયા છે. પતિ અને જુવાનજોધ પુત્રને નજર સામે ગુમાવનાર કિરણબેન આજે પણ તે આઘાતમાંથી બહાર આવી શક્યા નથી અને વારંવાર બેભાન થઈ રહ્યા છે.

    ન્યાય માટે આભાર, પણ આજીવિકાનો પ્રશ્ન કિરણબેને 'સિટી ન્યૂઝ રાજકોટ' સાથે વાત કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા 'ઓપરેશન સિંદૂર' ચલાવીને આતંકીઓને જે સજા આપવામાં આવી તે બદલ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માંગે છે. જોકે, તેમની એક મોટી ચિંતા ઘરના ગુજરાન અને દીકરાના ભવિષ્યની છે. તેમણે જણાવ્યું કે, "સરકારે ૧૦ લાખની સહાય આપી છે, પરંતુ તે સમયે સરકારી નોકરી આપવાનું જે વચન અપાયું હતું તે હજી પૂર્ણ થયું નથી. મારો નાનો દીકરો લેબ ટેકનિશિયનનો અભ્યાસ કરી રહ્યો છે, જો તેને નોકરી મળી જાય તો અમારો સહારો બની શકે."

    પરિવાર પર આભ ફાટ્યું હાલ કિરણબેન અને તેમનો પુત્ર તેમના દિયર સાથે રહી રહ્યા છે. વૃદ્ધ સાસુ-સસરા પણ પુત્ર અને પૌત્રના નિધનથી ઊંડા આઘાતમાં છે. આ મુશ્કેલ સમયમાં સ્થાનિક સાંસદ નીમુબેન બાંભણિયા અને અન્ય નેતાઓ તેમનો સંપર્ક કરી સાંત્વના પાઠવી રહ્યા છે. ભાવનગરનો આ પરિવાર ઈચ્છે છે કે સરકાર તેમનું વચન નિભાવે જેથી તેમનો માનસિક અને આર્થિક બોજ થોડો હળવો થઈ શકે.