પ્રી-મોન્સૂનના દાવા ફેલ નાનામૌવા બ્રિજમાં પાણીના નિકાલના પાઈપ તૂટેલા !
4 વર્ષમાં કામગીરીનું કંકાલ બહાર; ચોમાસા પહેલા જ તંત્રની પોલ ખૂલ્લી
પાંચ ઈંચ વરસાદ પડે તો નાનામૌવા ચોક પાણીમાં ડૂબશે : મોટાભાગના પાઈપ તૂટેલી-ફૂટેલી હાલતમાં
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં વિકાસના દાવા વચ્ચે નાના મૌવા બ્રિજની ખરાબ હાલત ચિંતાનો વિષય બની છે. માત્ર ચાર વર્ષ પહેલાં બનેલો આ બ્રિજ આજે જ પ્રશ્નોના ઘેરામાં આવી ગયો છે. બ્રિજ નીચેના પાણીના નિકાલ માટેના પાઈપ તૂટેલા જોવા મળી રહ્યા છે, જ્યારે અનેક જગ્યાએ જોડાણમાંથી લીકેજ થઈ રહ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વરસાદી મોસમ પહેલાં જ જો આવી સ્થિતિ છે તો ચોમાસામાં અહીં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તાર “જળબંબાકાર ઝોન” બની શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
પ્રી-મોન્સૂન કામગીરી અંગે રાજકોટ મહાપાલિકાએ મોટા દાવા કર્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. બ્રિજની નીચે તૂટેલા પાઈપ, બિનજોડાયેલ નિકાલ લાઈન અને ગંદકીના ઢગલા પ્રશાસનની બેદરકારી દર્શાવે છે. સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન છે કે, "ચાર વર્ષમાં જ બ્રિજની આવી હાલત થાય તો જવાબદાર કોણ?" હવે જો તંત્ર સમયસર જાગશે નહીં તો ચોમાસામાં મોટી દુર્ઘટના બનવાની ભીતિ નકારી શકાય નહીં. હવે સવાલ એ છે તંત્ર પગલાં લેશે કે પછી કોઈ મોટી ઘટનાની રાહ જોશે?
150 ફૂટ રિંગ રોડ નાનામવા સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ
-
સ્ટાર્ટિંગ પોઈન્ટ: કિંગ સ્ટાર બિલ્ડિંગ
-
એન્ડિંગ પોઈન્ટ: રિલાયન્સ મોલ પાસે
-
લંબાઈ: ૬૩૦.૦ મીટર
-
પહોળાઈ: ૨૪૮.૪ મીટર (૨-લેન)
-
હાઈટ: ૫.૫૦ મીટર
-
સ્લોપ: ૧:૩૦
-
સર્વિસ રોડ: બન્ને બાજુ ૭ મીટર તથા ફૂટપાથ બ્રિજ નીચે
-
કુલ પિલરની સંખ્યા: ૨૭
-
પ્રોજેક્ટ ખર્ચ: ૩.૪૦.૨૧ કરોડ
-
બજેટ હેડ: રાજ્ય સરકારની ગ્રાન્ટ (બ્રિજ ખર્ચ)