PM મોદીનો 31મી માર્ચે ગુજરાતમાં પ્રચંડ પ્રવાસ: કોબા, સાણંદ અને ડીસામાં વિકાસનો મહાકુંભ!
- 25,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ - ઉત્તર ગુજરાત અને ઉદ્યોગ જગત માટે મોટા સમાચાર
- રોજના 60 લાખ ચિપ્સનું થશે ઉત્પાદન - સાણંદથી દુનિયાભરમાં વાગશે ગુજરાતનો ડંકો
- જૈન કળાનો દુર્લભ સંગ્રહ હવે જનતા માટે ખુલ્લો મુકાશે - હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચના રોજ ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એક દિવસના આ ટૂંકા પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સામાજિક, ઔદ્યોગિક અને વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને જનતાને મોટી ભેટ આપશે.
આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો સંગમ વડાપ્રધાનના પ્રવાસની શરૂઆત ગાંધીનગરના કોબાથી થશે. અહીં તેઓ જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વર મહારાજની પ્રેરણાથી નિર્મિત 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું ઉદ્ઘાટન કરશે. આ સંગ્રહાલયમાં મુનિશ્રીની હસ્તપ્રતો અને જૈન કળાનો અદ્ભુત સંગ્રહ છે. આ પ્રસંગે વડાપ્રધાન હજારો જૈન શ્રદ્ધાળુઓની હાજરીમાં ધર્મસભાને સંબોધિત કરશે.
ઉદ્યોગ જગતમાં ગુજરાતની મોટી છલાંગ ત્યારબાદ વડાપ્રધાન સાણંદ પહોંચશે, જ્યાં ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખાશે. પીએમ મોદી ₹3,300 કરોડના રોકાણથી બનેલા 'કેયન્સ (Kaynes) સેમિકોન પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કરશે. સપ્ટેમ્બર 2024માં મંજૂર થયેલો આ પ્લાન્ટ દરરોજ 60 લાખ ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
બનાસકાંઠામાં વિકાસનો મહાકુંભ પ્રવાસના અંતિમ ચરણમાં પીએમ મોદી બનાસકાંઠાના ડીસા પહોંચશે. અહીં ડીસાના નાણી ગામમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ઉત્તર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ₹25,000 કરોડથી વધુની માળખાગત સુવિધાઓ અને પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ મુલાકાતને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.